Ahmedabad News : અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં બુધવારે(21 જાન્યુઆરી) રાત્રે થયેલી 26 વર્ષીય યુવકની સરેઆમ હત્યાના કેસમાં ગાયકવાડ હવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી છે. પોલીસે આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જૂની અદાવતમાં ખેલાયેલા આ લોહિયાળ ખેલનો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પર્દાફાશ કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
પોલીસ વિગતો અનુસાર, 21 જાન્યુઆરીની રાત્રે જમાલપુર વિસ્તારમાં આકાશ બાબુભાઈ ઓડ નામના 26 વર્ષીય યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા આકાશનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે આરોપી ઝડપાયા
હત્યાની ગંભીરતાને ધ્યાને રાખી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. તપાસ દરમિયાન મળેલી સચોટ માહિતીના આધારે પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ
મીત ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ (ઉં.વ.20, રહે.બહેરામપુરા, અમદાવાદ)
શાહિદ અમજદ ખાન પઠાણ (રહે. દાણીલીમડા, અમદાવાદ)
સોહિલ ઇદ્રીશભાઈ નિરાશી (ઉં.વ. 19, રહે. દાણીલીમડા, અમદાવાદ)
ઝઘડાની અદાવતમાં હત્યાનો અંજામ
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે અગાઉ 'PUBG' ગેમ રમવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં 20 જાન્યુઆરીની રાત્રે સુવિધા ફ્લેટ્સ પાસે આકાશ અને તેના મિત્રો મોટરસાયકલ પર આવ્યા હતા, જ્યાં મુખ્ય આરોપી સાથે તેમનો કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. જેના કારણે બંને પક્ષો વચ્ચે દુશ્મનાવટ બંધાઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપીઓની ધરપકડ
બીજી રાત્રે, આરોપીઓએ આકાશ અને તેના મિત્રોનો પીછો કર્યો હતો અને જમાલપુર પાસે અલંકાર ડ્રાઈવિંગ સ્કૂલ નજીક તેમને આંતર્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા મીત ઉર્ફે લાલાએ છરી વડે આકાશના પેટ અને શરીરના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જે આકાશ માટે જીવલેણ સાબિત થયા હતા. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.


