Ahmedabad News : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ વિસ્તારમાં બે હત્યાની ઘટના સામે આવી છે. ગાયકવાડ હવેલી વિસ્તારમાં સામાન્ય વાતમાં ખૂની ખેલ ખેલાયો છે. નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક આશાસ્પદ યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે જ બની હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીઓની અટકાયત કરી છે.
ગત 21 જાન્યુઆરીની મોડી રાત્રે ગાયકવાડ હવેલી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે અગાઉ 'PUBG' ગેમ રમવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ રમતની અદાવત રાખીને આરોપીઓએ યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ હુમલામાં મૃતક યુવકની સાથે રહેલા તેના મિત્રને પણ છરીના ઘા વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હત્યાની જાણ થતા જ ગાયકવાડ હવેલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે તપાસ કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


