Ahmedabad News: અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા દધીચિ બ્રિજ પર આજે(02 જાન્યુઆરી) એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યાં 19 વર્ષીય યુવકે જીવનથી હારી જઈ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. યુવકને ડૂબતો જોઈ સ્થાનિકોએ તેને બચાવવાના પ્રયાસો કર્યા હતા. લોકોની સમયસૂચકતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે યુવકને મોતના મુખમાંથી હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી છે.
દધીચિ બ્રિજ પરથી યુવક સાબરમતી નદીમાં કૂદ્યો
મળતી માહિતી મુજબ, ભીમજીપુરા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય યુવક આજે શુક્રવારે બપોરના સુમારે વાડજ પાસેના દધીચિ બ્રિજ પર પહોંચ્યો હતો. આ યુવકે અચાનક બ્રિજની રેલિંગ ઓળંગીને સાબરમતી નદીના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. આ જોઈ ત્યાંથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત જ યુવકને બચાવવા માટે બ્રિજ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.
યુવક પાણીમાં ડૂબી રહ્યો હતો, ત્યારે તેને ડૂબતો અટકાવવા માટે એક રિક્ષાચાલક પાસે રહેલી મજબૂત દોરી તુરંત નીચે ફેંકવામાં આવી હતી. યુવકને આ દોરી પકડી રાખવા માટે બૂમો પાડવામાં આવી હતી, સદનસીબે યુવકે દોરી પકડી લેતા તે પાણીમાં ગરકાવ થતાં બચી ગયો હતો અને ફાયરની ટીમ આવે ત્યાં સુધી પાણીની સપાટી પર તરતો રહ્યો હતો.
આ દરમિયાન અન્ય લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની રેસ્ક્યુ બોટ અને જવાનો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જવાનોએ નદીમાં ઉતરી યુવકને સુરક્ષિત રીતે બોટમાં ખેંચી લીધો હતો અને બહાર કાઢ્યો હતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, યુવક પોતાની જિંદગીથી કંટાળી ગયો હોવાથી આ આત્યંતિક પગલું ભર્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને યુવકના પરિવારને જાણ કરી તેને સમજાવવાની તજવીજ શરૂ કરી છે.


