Ahmedabad Crime: અમદાવાદના ભરચક ગીતામંદિર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ધોળે દિવસે થયેલા અપહરણના મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ખંડણીના ઈરાદે કરવામાં આવેલા યુવકના અપહરણના કેસમાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે ભોગ બનનારને પાટણ જિલ્લાના શંખેશ્વર પાસેથી હેમખેમ મુક્ત કરાવ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
બનાસકાંઠાના દાંતીવાડાના પાથાવાડા ગામના વતની છગનનાથ જોગનાથ ગત 30 ડિસેમ્બરના રોજ ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે આવેલી ‘રજવાડી ચા’ની હોટલ પાસે ઉભા હતા. બપોરે ૧ વાગ્યાના સુમારે એક રીક્ષામાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ છગનનાથને બળજબરીપૂર્વક રીક્ષામાં બેસાડી દીધા હતા અને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
4 લાખની ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી
અપહરણકારોએ છગનનાથને ગોંધી રાખી તેના પરિવાર પાસે 4 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જો પૈસા ન મળે તો યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન અને આરોપીઓની ધરપકડ
સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપીઓ પીડિતને લઈને શંખેશ્વર તાલુકાના પીરોજપુરા ગામે છુપાયેલા છે. પોલીસે ત્યાં દરોડો પાડીને હરેશ ચતુરભાઈ ઠાકોર (ઉં.વ. 21), નરેશ ચતુરભાઈ ઠાકોર (ઉં.વ. 27) અને તલાજી વરસંગજી ઠાકોર (ઉં.વ. 45) સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
અંધશ્રદ્ધા અને અદાવતમાં આચર્યું ગુનો
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી હરેશ અને નરેશના પિતાએ આર્થિક તંગી દૂર કરવા માટે પીડિતના સસરા પાસે કોઈ વિધિ કરાવી હતી. આ વિધિમાં સફળતા ન મળતા આરોપીઓ નારાજ હતા અને તે અદાવત રાખીને જ જમાઈ છગનનાથનું અપહરણ કર્યું હતું. અપહરણ દરમિયાન પીડિતને માર મારવામાં આવ્યો હતો, જેથી તેના લોહીવાળા કપડાં પણ આરોપીઓએ બદલાવી નાખ્યા હતા. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે કાગડાપીઠ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.


