પતિથી અલગ રહેતી મહિલા સાથે રહેવાની જીદ કરી પરિચિત યુવાનનો ચપ્પુથી હુમલો
હું હવે તારી સાથે જ રહીશ તારે મને રાખવો છે કે નહીં ?
મારી પુત્રી તને સાથે રાખવાની ના પાડે છે એમ મહિલાએ કહેતા નિરજ વિશ્વકર્મા ઉઢકેરાયો, પુત્રીને પણ ચપ્પુના ઘા માર્યા
સુરત, તા.17 જુલાઈ 2020, શુક્રવાર
સુરતના કતારગામ વિસ્તારમાં પતિથી અલગ 16 વર્ષીય પુત્રી સાથે રહેતી મહિલા સિક્યુરિટી ગાર્ડને ત્યાં અમદાવાદથી અઠવાડિયા અગાઉ આવેલા પરિચિત યુવાને ગત બુધવારે રાત્રે મહિલા સાથે રહેવાની જીદ કરી ઝઘડો કરી મહિલા અને તેની પુત્રીને ચપ્પુના ઘા માર્યા હતા અને ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જામનગરની વતની અને સુરતમાં કતારગામ બહુચરનગર સોસાયટી ઘર નં.177 માં ત્રણ બાળકો પૈકી વચલી 16 વર્ષીય પુત્રી ખુશી અને 13 વર્ષીય પુત્ર ધ્રુવ સાથે રહેતી 33 વર્ષીય ભાવના કાંતિભાઈ સોલંકી એક માસથી વેડરોડની પ્રાણનાથ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. અમદાવદ આંબાવાડી ખાતે મોટી પુત્રી નીતાલી ( ઉ.વ.18 ) સાથે રહેતો પતિ કામધંધો કરતો ન હોય ભાવના એક વર્ષ અગાઉ સુરત રહેવા આવી ગઈ હતી. હાલ તેનો પુત્ર ધ્રુવ ઉધનામાં તેની માતાના ઘરે રહેવા ગયો છે. દરમિયાન, બે વર્ષ અગાઉ ભાવના અમદાવાદ આંબાવાડી સ્થિત નિશાન મોટર્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતી હતી ત્યારે સાથે નોકરી કરતા નિરજ લક્ષ્મી વિશ્વકર્મા ( ઉ.વ.25 ) સાથે મિત્રતા થઇ હતી. સુરત આવ્યા બાદ પણ ભાવનાની તેની સાથે ફોન ઉપર વાત થતી હતી.
દરમિયાન, અઠવાડિયા અગાઉ નિરજ સુરત આવ્યો હતો અને ભાવનાના રૂમ ઉપર જ રોકાયો હતો.ગત બુધવારે રાત્રે 9 વાગ્યે ભાવના અને તેની પુત્રી ખુશી જમી પરવારીને સુવાની તૈયારી કરતા હતા ત્યારે નિરજ ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે હું હવે તારી સાથે જ રહીશ તારે મને રાખવો છે કે નહીં? ભાવનાએ મારે તને રાખવો નથી અને મારી દીકરી પણ તને રાખવાની ના પાડે છે તેમ કહેતા નિરજ ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ તેણે હું તને જાનથી મારી નાખીશ કહી ભાવનાને જમણા પગના થાપાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. ખુશી બચાવવા આવતા નિરજે તેને પણ પીઠના ભાગે તેમજ ડાબા પગના થાપાના ભાગે ચપ્પુ માર્યું હતું. માતા-પુત્રીએ બુમાબુમ કરતા લોકો દોડી આવતા નિરજ ભાગી છૂટ્યો હતો. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ ભાવનાએ ગતરોજ નિરજ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.