અમરેલીની શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત, 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો
Amreli News : અમરેલીના મોટા ગોખરવાળા ગામે એક કરુણ ઘટના બની છે. શેત્રુંજી નદીમાં ન્હાવા ગયેલા એક 35 વર્ષીય પરપ્રાંતીય યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મુકેશ કટારા નામનો યુવક સવારે 11 વાગ્યાની આસપાસ તેના અન્ય ત્રણ મિત્રો સાથે નદીમાં ન્હાવા ગયો હતો, ત્યારે ડૂબી જવાથી યુવકનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. જેમાં 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો.
મળતી માહિતી મુજબ, શેત્રુંજી નદીમાં ન્હાવા જતાં અચાનક મુકેશનો પાણીમાં ગરકાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગ અને તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને ખાનગી વાહન મારફતે પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસે મુકેશ સાથે ન્હાવા ગયેલા અન્ય ત્રણ યુવકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક મુકેશ સહિત ચારેય યુવકો નશો કરવાની ટેવ ધરાવતા હતા. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.