VIDEO: અમરેલીના ખેડૂતોને બેવડો માર: વરસાદની અછત અને પૂરતી વીજળીના અભાવે મગફળી-કપાસના પાકને નુકસાન
Amreli News : ચોમાસાની સિઝનની શરૂઆતમાં સારો એવો વરસાદ થતાં ગુજરાતભરના ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણી કરી હતી, પરંતુ ગુજરાતમાં જૂન મહિના બાદ વરસાદનું જોર ઘટતાં પાકને પાણીની અછત સર્જાતા ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખેડૂતોએે મગફળી-કપાસ સહિતના પાકનું વાવેતરણ કર્યુ છે. તેવામાં એક તરફ વરસાદની અછત છે, તો બીજી તરફ પૂરતી વીજળીના અભાવે લાઠી સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોના મગફળી-કપાસના પાકને નુકસાન થવાની સ્થિતિ ઊભી થતાં ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે.
મગફળી-કપાસના પાકને નુકસાન
રાજ્યમાં જુલાઈ મહિનાની શરૂઆતથી નહીવત વરસાદી માહોલ છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠીમાં વરસાદના વિરામના કારણે મગફળી અને કપાસના પાકમાં નુકસાન જવાની શક્યતાને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. લાઠી તાલુકાના રામપર ગામના ખેડૂતોનું કહેવું છે કે, 'હાલ મગફળી પાકવાની સ્થિતિએ છેલ્લા ઘણાં દિવસોથી વરસાદ નથી. બીજી તરફ, સરકારે 10 કલાક ખેડૂતોને વીજળી પૂરી પાડવાની જાહેરાત કરી છે, પરંતુ લાઈન મોટી હોવાના કારણે પાવર પૂરતા સમયે પ્રમાણે મળતો નથી. એટલે નાના ફિડર કરવામાં આવે તો પૂરતા પ્રમાણમાં વીજળી મળી શકે. હાલ સવાલે 9 વાગ્યે પાવર આવવાનો સમય છે, પરંતુ બપોરના 12 વાગ્યા છતાં પાવર આવ્યો નથી.'
આ પણ વાંચો: તરણેતરના લોકમેળામાં 'ગ્રામીણ ઓલિમ્પિક'નું આયોજન, રાજ્યભરના રમતવીરો લેશે ભાગ
તમને જણાવી દઈએ કે, લાઠી પંથકમાં વાવણી લાયક વરસાદથી રામપર સહિતના પંથકમાં ખેડૂતોએ મગફળી-કપાસ સહિતની વાવણી કરી લીધી હતી. હાલમા વરસાદે વિરામ લેતા મગફળીનો પાક સુકાતો હોવાનું ખેડૂતોનું કહેવું છે. જ્યારે અનીયમીત વિજળીથી પરેશાન ખેડૂતોએ PGVCLની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.