પાટડીની હોસ્પિટલમાં મૃતકના પુત્રને પોલીસની લાફાવાળી, પિતાના મૃત્યુ પછી રોષ ઠાલવવો ભારે પડ્યો
Surendranagar News: પાટડી સરકારી હોસ્પિટલમાં એક યુવકના પિતાનું મોત થતા તેણે હોબાળો મચાવ્યો હતો. આ યુવકે પિતાના મૃતદેહ પાસે જ ‘ડૉક્ટરને હાજર કરો’ એવું કહીને બૂમાબૂમ કરી મૂકી હતી. આ ઘટના વખતે હોસ્પિટલ સત્તાવાળાઓએ પોલીસને પણ બોલાવી લીધી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સાથે પણ ઊંચા અવાજે બૂમાબૂમ કરી હતી. એટલું જ નહીં, તેણે પીઆઈ બી.સી. છત્રોલિયાનું પણ બાવડું પકડી લીધું હતું. આટલું કહેતા જ પોલીસ જવાને આ યુવકને દસેક લાફા ઝીંકી દીધા હતા.
આ ઘટના વિગત એવી છે કે, પાટડી શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા અને સોલડી ગામના શિક્ષક રાજેન્દ્ર જાદવનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું. આ દરમિયાન તેમના પુત્ર સહિતના સગાવ્હાલાએ હોસ્પિટલ જઈને હોબાળો કર્યો હતો. આ લોકોએ હોસ્પિટલમાં હોબાળો કરતા પાટડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે, આ યુવકે પોલીસ ઈન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારી સાથે પણ ગેરવર્તન કર્યું હતું. એટલું જ નહીં, આ યુવક નશામાં હતો. જો કે, મૃતકના સગાવ્હાલાએ આરોપ મૂક્યો છે કે, પોલીસે તેમની દાદાગીરી છુપાવવા માટે યુવક પર નશો કર્યાનો આરોપ મૂક્યો છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, આ પહેલા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મૃતક શિક્ષકના સગાઓએ આ મૃત્યુ માટે હોસ્પિટલ જ જવાબદાર હોવાનો આરોપ મૂક્યો છે. જો કે, હોસ્પિટલે આ આરોપ નકારી દીધા છે અને ફરજ પરના ડોક્ટર સાથે પણ સગાવ્હાલાએ ગેરવર્તન કર્યાનો આરોપ મૂક્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આઇપીએલની ફાઇનલ મેચ રમાઇ તે પહેલાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી