વિદેશ જવા માટે થયેલી ઠગાઇ અંગે કોર્ટ કેસનો નિર્ણય નહી આવતા યુવાનનો ઝેર પીને આપઘાત

વડોદરા, તા.6 વિદેશમાં જવા માટે આપેલી રકમ બાદ થયેલી છેતરપિંડી અંગેનો કેસ કોર્ટમાં લાંબા સમય સુધી ચાલતા મનમાં લાગી આવતા બોરીયાદ ગામના યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇ તાલુકાના બોરીયાદ ગામમાં પટેલ ફળિયામાં રહેતા જયેશ શનાભાઇ પ્રજાપતિ ડ્રાઇવિંગનું કામ કરે છે. તેમના ૨૮ વર્ષના પુત્ર ભાવેશને મલેશિયા જવાનું હોવાથી તેણે કોઇ એજન્ટને પૈસા આપ્યા હતા પરંતુ કોઇ કારણસર મલેશિયા જવાનું થયું ન હતું તેમજ પૈસા પણ પરત મળ્યા ન હતાં. આ અંગે ભાવેશે કોર્ટમાં કેસ કર્યો હતો અને તેની કાર્યવાહી ચાલુ હતી.
લાંબા સમય સુધી કોર્ટમાંથી કોઇ નિર્ણય આવતો ન હતો અને પૈસા પણ પરત મળતા નહી હોવાથી આખરે ભાવેશને મનમાં લાગી આવ્યું હતું. પોતાના ઘરમાં એકલો હતો ત્યારે ગઇકાલે રાત્રે ઝેરી ગોળીઓ આરોગી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે ડભોઇ પોલીસે અકસ્માત મોતની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકે વિદેશ જવા માટે કોને પૈસા આપ્યા હતા અને કેટલા પૈસાની ચૂકવણી કરી હતી તેની વિગતો મેળવવામાં આવી રહી છે.









