VIDEO: ટોયલેટમાં બેઠા-બેઠા ગુજરાત હાઈકોર્ટની લાઈવ સુનાવણીમાં હાજર થયો યુવક, સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો
Gujarat High Court Viral Video: કોર્ટમાં ઓનલાઈન સુનાવણીનું ચલણ વધ્યું છે, પરંતુ ક્યારેક લોકો કેમેરા સામે વિચિત્ર કામો કરતા જોવા મળે છે. આવીજ એક વિચિત્ર ઘટના ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી ઓનલાઈન સુનાવણી વખતે સર્જાઈ હતી. જેમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન એક યુવક ટોયલેટ સીટ પર બેઠેલી હાલતમાં જજ સમક્ષ હાજર થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
કોર્ટની ઓનલાઈન સુનાવણીમાં યુવક ટોયલેટમાંથી હાજર થયો
ગુજરાત હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક કેસની સુનાવણી ચાલી રહી દરમિયાન એક યુવક વોશરૂમમાં ટોયલેટ કરતો જોવા મળે છે. 'બાર એન્ડ બેન્ચ'ના અહેવાલ મુજબ, આ ઘટના 20 જૂનના રોજ બની હતી. જસ્ટિસ નિરઝર એસ દેસાઈની બેન્ચ કેસની સુનાવણી કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતા.
વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે, 'સમદ બેટરી'ના નામથી લોગ-ઇન થયેલા યુવક શરૂઆતમાં ક્લોઝઅપ ફોટો બતાવે છે. જેમાં તેણે પોતાના ગળામાં બ્લૂટૂથ ઇયરફોન પહેર્યા હોય છે. ત્યારબાદમાં તે પોતાનો ફોન થોડા અંતરે રાખતો જોવા મળે છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, તે યુવક ટોઇલેટ સીટ પર બેઠો હતો. શૌચક્રિયા કર્યા બાદ યુવક વોશરૂમમાંથી બહાર નીકળતો જોવા મળે છે. પછી તે થોડા સમય માટે સ્ક્રીનથી દૂર થયા બાદ એક રૂમમાં જોવા મળે છે.
યુવકે FIR રદ કરવાની માગ કરી
કોર્ટના રેકોર્ડ મુજબ, યુવકે એક કેસમાં એફઆઈઆર રદ કરવાની માગ કરી હતી. જેને લઈને ઓનલાઈન માધ્યમથી કોર્ટમાં પ્રતિવાદી તરીકે હાજર થયો હતો. જેમાં પક્ષકારો વચ્ચે સમાધાન બાદ કોર્ટે FIR રદ કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી
ઓનલાઈન કોર્ટ કાર્યવાહી દરમિયાન અયોગ્ય વર્તનનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ એપ્રિલમાં એક વ્યક્તિ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થતી વખતે સિગારેટ પીતો જોવા મળ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે એપ્રિલમાં તે વ્યક્તિને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બીજા એક કિસ્સામાં માર્ચમાં દિલ્હીની એક કોર્ટે એક અરજદારને સમન્સ પાઠવ્યું હતું, જે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસમાં હાજર થયો હતો અને ત્યારે સિગારેટ પીતો જોવા મળ્યો હતો.