સુરેન્દ્રનગરના વઢવાણમાં જાહેરમાં છરીના ઘા મારી યુવતીની હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર
Surendranagar News : ગુજરાતમાં મારામારી, લૂંટ, હત્યા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં યુવતીને જાહેરમાં છરીના ઘા મારીને હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીની હત્યા નીપજાવી આરોપી યુવક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે હત્યાના બનાવને લઈને પોલીસ સ્થળ પર પહોંચીને મૃતક યુવતીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના મામલે મૃતકના પરિવારજનોએ યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જાહેરમાં છરીના ઘા મારીને યુવતીની હત્યા
મળતી માહિતી મુજબ, વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં સવારે કારખાનામાં કામ અર્થે જઈ રહેલી યુવતીને જાહેરમાં યુવકે 8-10 જેટલા છરીના ઘા મારીને હત્યા નીપજાવી હતી. ઘટનાને લઈને પોલીસે યુવતીના મૃતદેહને પીએમ અર્થે સરકારી ગાંધી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં મૃતક યુવતીના પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યો હતો અને પરિવારે જ્યાં સુધી આરોપીને ઝડપી પાડવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો હતો.
આ પણ વાંચો: વડોદરાના યુવકે કોર્ટના વોશરૂમમાં ઝેરી દવા ગટગટાવી, પત્નીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ
પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસ મૃતક યુવતીને પીએમ અર્થે મોકલી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.