સુરેન્દ્રનગરમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવો બનાવ: પ્રેમિકાના હત્યારા આરોપી અમન રાઠોડનું સરઘસ કઢાયું
Surendranagar News : સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં થોડા દિવસ પહેલા ગ્રીષ્મા હત્યાકાંડ જેવો બનાવ સર્જાયો હતો. જેમાં યુવતીને જાહેરમાં છરીના ઘા મારીને પ્રેમિએ હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પરિવારજનોએ યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને આરોપીને ઝડપી પાડીને સરઘસ કાઢવાની માગ કરી હતી. જ્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સરાજાહેર પ્રેમિકાને ગળે છરી ફેરવીને હત્યા કરનારા આરોપીને પોલીસે ગણતરીની કલાકમાં ઝડપી પાડ્યો હતો અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું
સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં કારખાનામાં કામ અર્થે જઈ રહેલી પાયલ સોલંકી નામની યુવતીને જાહેરમાં અમન રાઠોડ નામના પ્રેમીએ 8-10 જેટલા છરીના ઘા મારીને હત્યા નીપજાવી હતી. આ મામલે પોલીસે ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. યુવતીના મૃતદેહને સરકારી ગાંધી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે મૃતક યુવતીના પરિવારજનોએ આરોપીનું સરઘસ કાઢવાની માગને લઈને વઢવાણ રાજકોટ બાયપાસ રોડ પર ચક્કાજામ કર્યો હતો અને રેલવે ટ્રેક પર ઉભા રહીને ટ્રેન પણ રોકાવી દીધી હતી, ત્યારે પોલીસે આરોપી યુવકને ઝડપી પાડીને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી અમન રાઠોડનું સરઘસ કાઢવામાં આવ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક યુવતી અને આરોપી પ્રેમ સંબંધમાં હતા અને અગાઉ તેઓ ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આરોપી સાથે લગ્ન ન કરવાને લઈને મૃતક યુવતીને તે જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.