'તું મારી જ છે બીજા કોઈની નહિ થવા દઉં'સગાઈ પણ તોડી નંખાવી

પેથાપુરમાં વિધર્મી
યુવકની યુવતીને ધમકી
એક તરફી પ્રેમમાં
પાગલ યુવાને યુવતીના મંગેતરને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી - પેથાપુર પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં રહેતી યુવતી વિધર્મી યુવાનના ત્રાસનો ભોગ બની છે. યુવતીની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા આ યુવાને તેના મંગેતરને પણ ધમકી આપી સગાઈ તોડાવી નંખાવી છે. એટલું જ નહીં યુવતીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી તું મારી જ છે બીજા કોઈની નહિ થવા દઉં તેમ કહ્યું હતું. આ મામલે પેથાપુર પોલીસે યુવાન સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં રહેતી યુવતી ટયુશન ક્લાસમાં જતી હતી તે વખતે એક વિધર્મી યુવાનના સંપર્કમાં આવી હતી. જોકે બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી પરંતુ યુવાન વિધર્મી હોવાથી પરિવારજનો તેમના સંબંધ વધારવા માગતા નહોતા. આ દરમિયાન યુવતીની સગાઈ અમદાવાદમાં રહેતા યુવાન સાથે નક્કી કરવામાં આવી હતી. જેથી આ વિધર્મી યુવાને યુવતીને રંજાડવાનું શરૃ કર્યું હતું. એટલું જ નહીં તેણેની ફોન કરીને તું મારી નહીં તો કોઈની નહીં તેમ કઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અમદાવાદના યુવાન સાથે કરવામાં આવેલી સગાઈ પણ તોડી નાખવા કહેવાયું હતું. યુવતી આ યુવાન સાથે સંબંધ રાખવા નહી માગતી હોવાથી આખરે આ વિધર્મી યુવાને અમદાવાદમાં જઈને યુવતીના મંગેતરને પણ બંનેના ફોટા બતાવી સંબંધ તોડી નાખવા ધમકી આપી હતી. જેના પગલે આ યુવાને યુવતીને ફોન કરીને તેમની સગાઇ તોડી નાખી હતી. આખરે યુવાનના ત્રાસથી કંટાળેલી આ યુવતીએ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે વિધર્મી યુવાન સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.




