Get The App

વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવા મળે છે

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવા મળે છે 1 - image


World Vulture Day: સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે વિશ્વ ગીધ દિવસ(World Vulture Day)ની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગીધની સતત ઘટતી સંખ્યા વન વિભાગ અને પર્યાવરણવિદો માટે ચિંતાનો વિષય બની છે. 2022ના ગીધની વસ્તી ગણતરી મુજબ, સમગ્ર ગુજરાતમાં 999 ગીધ હતા, જેમાંથી 84 ગીધ માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળ્યા હતા. આજે, તેમની સંખ્યા ઘટીને 32થી 35 પર પહોંચી ગઈ છે, જે ગંભીર સંકટનો સંકેત આપે છે.

બે દાયકામાં 90 ટકા ઘટી ગીધની વસ્તી 

કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પર્યાવરણ માટે અત્યંત મહત્ત્વના છે. તેઓ મૃત પશુઓનું ભક્ષણ કરી રોગચાળો ફેલાવતા જીવાણુઓનો નાશ કરે છે. જોકે, છેલ્લા બે દાયકામાં તેમની વસ્તીમાં 90 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ પશુઓમાં વપરાતી 'ડાયક્લોફેનાક સોડિયમ' નામની દવા છે. આ દવાના કારણે મૃત્યુ પામેલા પશુઓનું માંસ ખાવાથી ગીધો પર તેની વિપરીત અસર થઈ અને તેઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા.

આ પણ વાંચોઃ સરકારી ભરતીમાં SC/ST માટે લાયકાત ગુણ ઘટાડવાની માંગ, ભાજપ સાંસદની મુખ્યમંત્રીને રજૂઆત

વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવા મળે છે 2 - image

ઝાલાવાડમાં ગીધની પ્રજાતિઓ

સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવા મળે છે. જેમાં, હિમાલયન ગ્રીફોન, યુરેશિયન ગ્રીફોન અને સિનિરીઅસ વલ્ચર જેવી પ્રજાતિઓ યાયાવર (માઇગ્રેટરી) છે અને માત્ર બે મહિના માટે જ ગુજરાતમાં રહે છે. આ સિવાય, સફેદ પીઠવાળા ગીધ, ઇજિપ્શિયન વલ્ચર અને અત્યંત દુર્લભ ગણાતા કિંગ વલ્ચર (રાજ ગીધ) પણ અહીં જોવા મળે છે.

આડેધડ વૃક્ષોના નિકંદનને ગીધે ગુમાવ્યું રહેઠાણ

ગીધ મુખ્યત્ત્વે ઊંચા વૃક્ષો પર માળા બાંધે છે, પરંતુ શહેરીકરણ અને આડેધડ વૃક્ષોના નિકંદનને કારણે તેમને યોગ્ય રહેઠાણ મળતું નથી, જેના કારણે પણ તેમની સંખ્યા ઘટી રહી છે. જિલ્લાના ભારદ, અખિયાણા, પીપળી, રાજચરાડી અને મેથાણ જેવા ગામોમાં ગીધની વસાહતો હજુ પણ જોવા મળે છે. 2016માં પાટડીના અખિયાણા ગામમાં સૌથી વધુ 65 ગીધ નોંધાયા હતા, જે બાદ તેમની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, ડેમ 91 ટકા ભરાયો, નદી કાંઠાના ગામોને રાહત

વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવા મળે છે 3 - image

સંરક્ષણના પ્રયાસો

ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યની ટીમ ગીધના સંરક્ષણ માટે સક્રિય છે. તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ગીધના માળા, તેમની સંખ્યા અને ખોરાકની ઉપલબ્ધતા વિશે માહિતી એકઠી કરી રહ્યા છે. ઉપરાંત, સ્થાનિક પક્ષીવિદો અને લોકો સાથે મળીને ગીધને બચાવવા માટે કેવા પગલાં લેવા જોઈએ તે અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

રામાયણમાં પણ ગીધનો ઉલ્લેખ

રામાયણમાં ગીધનો ઉલ્લેખ મહાન પક્ષી જટાયુ તરીકે થયો છે, આ પક્ષીનું અસ્તિત્વ ટકાવી રાખવું એ માત્ર પર્યાવરણીય જ નહીં, પણ સાંસ્કૃતિક રીતે પણ અત્યંત જરૂરી છે. જો તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવામાં નહિ આવે, તો કુદરતનો આ મહત્ત્વનો સફાઈ કામદાર લુપ્ત થવાના આરે પહોંચી જશે.


Tags :