Get The App

જિ.પં.ની સભામાં કામો મંજૂર : ડે.ડીડીઓ, સભાને ગેરમાર્ગે દોરવામાં આવી : સભ્ય

Updated: May 20th, 2025

GS TEAM

Google News
Google News
જિ.પં.ની સભામાં કામો મંજૂર : ડે.ડીડીઓ, સભાને ગેરમાર્ગે દોરવામાં આવી : સભ્ય 1 - image


- 15 મા નાણાંપંચની ગ્રાન્ટ ફાળવણીમાં અસમાનતા બાબતે વિવાદ વધુ વકર્યો 

- ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં કામોની ફાળવણી બાબતે પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપના જ જિલ્લા પંચાયત સભ્યએ બાંયો ચડાવી 

ભાવનગર : ભાવનગર જિલ્લા પંચાયતે વિકાસ કામોની ૧૦ ટકા ગ્રાન્ટ ફાળવણીમાં અસમાનતા હોવાનો વિવાદ વધુ વકર્યો છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ અને નોંઘણવદર બેઠકના ભાજપના સભ્યને ગત માર્ચ માસની સામાન્ય સભામાં આ બાબત સર્વાનુંમતે મંજૂર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.સામા પક્ષે પૂર્વ ઉપપ્રમુખ અને જિ.પં.સભ્યએ ડે.ડીડીઓને પત્ર લખી સાધારણ સભાને ગેરમાર્ગે દોરવામાં આવી હોવાનો આરોપ મુક્યો હતો. આમ, ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં કામોની ફાળવણી બાબતે પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપના જ જિલ્લા પંચાયત સભ્યએ બાંયો ચડાવતા ખળભળાટ મચી ગયો છે. 

આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર ગત ૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને પાઠવેલા પત્રમાં પૂર્વ ઉપપ્રમુખ ઘનશ્યામ વી. શિહોરાએ જણાવ્યું હતું કે, ૧૫મા નાણાંપંચની વર્ષ ૨૦૨૫-૨૬ની ગ્રાન્ટ ફાળવણીમાં અસમાનતા છે. જે કુલ રૂા. ૧૦ કરોડના કામોનું આયોજન થયું છે તેમાં કેટલાય તાલુકાઓને અન્યાય થયેલ છે. ક્યાંક જિલ્લા પંચાયતની એક જ સીટમાં રૂા. ૧ કરોડ અને ક્યાંક બીજા તાલુકામાં રૂા. ૩ કરોડ જેવી રકમ ફાળવાઈ છે. તેમણે અસમાનતા દૂર કરવાની માંગ કરી હતી. 

દરમિયાનમાં,આ પત્રનો પ્રત્યુત્તર પાઠવતા ડે.ડીડીઓ (વિકાસ) એ.પી. વ્યાસે પૂર્વ ઉપપ્રમુખને જણાવ્યું હતું કે, ૧૫મા નાણાંપંચમાં પંચાયત વિભાગ, ગાંધીનગરના ઠરાવ તા. ૯-૮-૨૦૨૧થી થઈ આવેલ ગાઈડલાઈન મુજબ વર્ષ ૨૦૨૫-૨૬ જિલ્લા કક્ષાનું ૧૦ ટકા આયોજન જિલ્લા પંચાયતે વિવિધ જિલ્લા સેક્ટરલ વર્કીંગ ગુ્રપો પાસેથી ક્ષેત્રવાર કામો નક્કી કરી મોકલવા જણાવ્યું હતું. જે-તે ગુ્રપને લગત કામોની જરૂરિયાત પ્રમાણે દરખાસ્ત-કાર્યવાહી નોંધથી ક્ષેત્રવાર કામો નક્કી કરી રજૂ કરતા જિલ્લા પંચાયતની પ્લાનિંગ કમિટીની તા. ૧૦ માર્ચ, ૨૦૨૫ની બેઠકમાં રજૂ કરવામાં આવતા સર્વાનુમતે મંજૂર કરાયા હતા. આ મંજૂર કરાયેલ તમામ કામોને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તા. ૧૮ માર્ચ, ૨૦૨૫ની ૧૬મી સામાન્ય સભાની ખાસ બેઠકમાં મુદ્દા નં.૪, ઠરાવ નં. ૬૦૨થી સર્વાનુમતે મંજૂર કરાયા હતા. 

આ પત્રના અનુસંધાને ગઈ તા. ૧૪ મે, ૨૦૨૫ના રોજ પૂર્વ ઉપપ્રમુખ શિહોરાએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) વ્યાસને પત્ર પાઠવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, તા. ૮ એપ્રિલના પત્રથી વાંધા અરજી કરેલ હોવા છતાં તા. ૧લી મે, ૨૦૨૫ની સાધારણ સભાને ખોટું ગેરમાર્ગે દોરેલ છે. સભાની કાર્યસૂચિ મુદ્દા નં.૧માં એવું લખવામાં આવેલ છે કે, સભ્ય તરફથી કોઈ વાંધા કે સૂચનો રજૂ થયેલ ન હોઈ એવું પત્ર દવારા લેખિત અપાયું છે. જે સાવ તદ્દન ખોટી રીતે ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરેલ છે. જે-તે જવાબદાર અધિકારી દ્વારા ગેરરીતિ કરવામાં આવેલ છે. તેના પર પગલા ભરવા તેમણે માંગ કરી છે. 

તેમણે એ પણ જાણવા માગ્યું હતું કે, પ્લાનિંગ કમિટીના સભ્ય કોણ-કોણ હોય છે ? અને ગ્રાન્ટ ફાળવણીના નિયમો શું હોય છે ? તેમજ ગ્રાન્ટ ફાળવણીની યાદી સભા ચાલુ થયા પછી જ સભ્યોને આપવાની હોય છે કે કેટલા સમય પહેલા આપવાની હોય છે ? 

Tags :