તાપ્તી લાઇનના રેલવે કર્મચારીઓ માટે આજથી વર્કમેન સ્પેશિયલ ટ્રેન
સુરતથી નંદુરબાર વચ્ચે જુદા-જુદા રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા અંદાજે 200 કર્મચારીઓને લાભ થશે
સુરત,તા.15 જુલાઈ 2020 બુધવાર
પ્રવાસી ટ્રેન સેવા હજુ શરૃ થઇ નહિ હોવાથી તાપ્તી લાઇનના રેલવે કર્મચારીઓને ખૂબ જ હાડમારી ભોગવી પડતી હતી, જેના નિરાકરણ માટે પશ્ચિમ રેલવેએ આવતીકાલ તા. 16મીને ગુરુવારથી વર્ક મેન સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યુ છે.
લોકડાઉન જાહેર થયાં પછી રેલવે વિભાગે પ્રવાસી ટ્રેનો રદ કરી દીધી હતી.પરિણામે જુદા જુદા સ્ટેશન પર ફરજ બજાવતા રેલવે કર્મચારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ હતી. રેલવે કર્મચારીઓની આ મુશ્કેલી બાબતે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘે વડી કચેરીના ઉચ્ચ અધિકારીઓ (ઓપરેશન)નું ધ્યાન દોર્યું હતું, એમ વાઇસ ચેરમેન હરિસિઘ મીનાએ જણાવ્યું હતું.
મજદૂર સંઘ તરફથી કરવામાં આવેલી રજૂઆતને રેલવે અધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને આવતીકાલ તા.16મીએ સુરતથી નંદુરબાર વચ્ચે સ્પેશિયલ વર્તમાન ટ્રેન દોડાવવાની સુચના આપવામાં આવી છે. આ ટ્રેન સવારે નંદુરબારથી સવારે 4 કલાકે ઉપડશે અને 8 કલાકે સુરત આવશે અને વળતામાં સાંજે 5 કલાકે સુરતથી ઉપડશે અને રાત્રે 9 કલાકે નંદુરબાર પહોંચશે.
સુરતથી નંદુરબાર વચ્ચેના જુદાં જુદાં સ્ટેશનો પર અંદાજે 200 જેટલાં રેલવે કર્મચારીઓ ફરજ બજાવે છે. આ સ્પેશિયલ ટ્રેન શરૃ થવાથી રેલવે કર્મચારીઓને બહુ મોટી રહી છે અને હાડમારીમાંથી મુક્તિ મળી છે.