બિલોદરા ગામ નજીક ઓવરબ્રિજના કામમમાં નીચે પટકાતા શ્રમિકનું મોત

- પુલના સમારકામની મંથરગતિએ ચાલતી કામગીરી
- 50 ફૂટ નીચે ખાબકતા શ્રમિકને ગંભીર ઇજા થતાં સારવારમાં મૃત્યુ થતાં પોલીસે કાર્યવાહી આદરી
નડિયાદ નજીક મહુધા રોડ પર આવેલા બિલોદરા ગામ પાસે શેઢી નદી પર આવેલ બ્રિજના મરામતનું જિલ્લા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા કામ બે માસ પહેલા શરૂ કરાયું હતું. આ માટે એક કોન્ટ્રાક્ટર કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આજે આ જગ્યાએ જુના બિલોદરા ગામના પ્રવિણ પ્રભાતભાઈ સોઢા બ્રિજ પર કામ કરવા માટે ગયા હતા. દરમિયાન પ્રવીણભાઈ સોઢા બપોરના સમયે બ્રિજ પર પડેલ રેતી કપચી માટી બ્રશ વડે વાળતા હતા.
ત્યારે બ્રિજ વાળતા વેળાએ શ્રમિક પ્રવીણભાઈ સોઢા કોઈ રીતે બ્રિજ પરથી ખાબકી પચાસ ફૂટ નીચે નદી તટમાં પટકાયા હતા. જેની જાણના પગલે ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા અને ગ્રામજનોએ બ્રિજ પરથી નદીના તટમાં પટકાતા શરીરે ગંભીર ઇજાગ્રસ્ત થયેલા શ્રમિક પ્રવીણભાઈ સોઢાને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી તેઓને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડાઈ રહ્યા હતા ત્યારે શ્રમિક પ્રવીણભાઈ સોઢાએ દમ તોડી દીધો હતો.
દરમિયાન નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

