સુરત: જન્માષ્ટમીએ ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કરી કમાણી
Surat, Janmashtami festival: સુરતમાં આગામી શનિવારે જન્માષ્ટમીના તહેવારના કારણે ભગવાનના વાઘા અને શણગાર તથા પારણા સહિતની વસ્તુઓનો બજારમાં તેજીનો માહોલ આવી રહ્યો છે. જન્માષ્ટમીનો તહેવારમાં કાન્હાને પહેરાવવામાં આવતા વાઘા મહિલાઓ માટે રોજગારીનું સાધન બની રહ્યા છે. સુરતમાં સૌરાષ્ટ્રની અનેક મહિલાઓ ભગવાનના વાઘા માટે ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. આ ગૃહ ઉદ્યોગમાં તેઓ પોતાની રોજગારી સાથે સાથે અન્ય મહિલાઓને પણ રોજગારી પૂરી પાડે છે.
છેલ્લા કેટલાક સમયથી ઘરે બનાવેલા વાઘાની ડિમાન્ડ વધી
તહેવારની ઉજવણીમાં અગ્રેસર રહેતા સુરતીઓ જન્માષ્ટમીની ઉજવણી પણ ભવ્ય રીતે કરે છે. સુરતના અનેક ઘરોમાં કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવે છે. ઘરમાં જન્માષ્ટમીની ઉજવણી માટે પણ સુરતીઓ કોઈ કસર બાકી રાખતા નથી. સુરતીઓના તહેવારની ઉજવણી માટેની ઘેલછા અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. તેમાં પણ જન્માષ્ટમીમાં પોતાના ઘરે કૃષ્ણ જન્મોત્સવ કરે ત્યારે ભગવાનને નવા ડિઝાઇનર વાઘા પહેરાવવાનો આગ્રહ રાખે છે. છેલ્લા કેટલાક સમયથી ઘરે બનાવેલા વાઘાની ડિમાન્ડ વધી હોવાથી અનેક મહિલાઓ ઘરે વાઘા બનાવી રહી છે.
'જન્માષ્ટમીમાં ભગવાનના વાઘા અમારો ગૃહ ઉદ્યોગ બન્યો'
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ ભાવનગરના ભક્તિ વઘાસીયા કહે છે, શરુઆતમાં મેં મારા ઘરના ભગવાન માટે વાઘા બનાવ્યા હતા. સગાંઓને ગમતાં તેઓ ઓર્ડર આપતા હતા. એ પછી આડોશી પાડોશીઓએ પણ વાઘા જોઈને અમને ઓર્ડર આપતા હતા. અનેક લોકોએ ભગવાનના વાઘા બનાવવા માટે ઓર્ડર આપતા હોવાથી જન્માષ્ટમીમાં ભગવાનના વાઘા તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. હું વાઘાની ડિઝાઇન બનાવું છું, અને થોડા વાઘા અન્ય એક મહિલા છે, તેમની પાસે પણ બનાવી રહી છું. આમ જન્માષ્ટમીમાં ભગવાનના વાઘા અમારો ગૃહ ઉદ્યોગ બની ગયો છે, અને મારી સાથે અન્ય મહિલાઓ પણ કમાણી કરી રહી છે. આ કામથી ઘરની આવક વધે છે અને ઘેર બેસીને ભક્તિ સાથે રોજગાર મળે છે, એનો આનંદ અલગ જ છે.
મૂળ સૌરાષ્ટ્રના અને હાલ સીંગણપોર વિસ્તારમાં રહેતા ગીતા મોણપરા કહે છે, પહેલાં તેઓ સાડીમાં સ્ટોન લગાવવાની કામગીરી કરતા હતા, પરંતુ ત્યાર બાદ ભગવાનના વાઘા બનાવવાની શરુઆત કરી હતી. તેના કારણે રોજગારીનો નવો માર્ગ ખુલ્યો છે. તેઓ પોતે ડિઝાઇન બનાવે છે અને વાઘા બનાવી વેચાણ કરે છે. તેઓએ તેમની આસપાસ રહેતી મહિલાઓને વાઘા બનાવવાનું શીખવ્યું હતું અને તેમને રોજગારી પણ આપવાનું શરુ કર્યું છે. આ મહિલાઓ ભેગા થાય છે અને ભગવાનના વાઘા બનાવી રહ્યા છે. આ ઉપરાંત મૂળ સૌરાષ્ટ્રના અને સુરતમાં રહેતા સિલાઈ કામ કરતી અનેક મહિલાઓએ જન્માષ્ટમીના તહેવારમાં ભગવાનના વાઘા બનાવવાનો ગૃહ ઉદ્યોગ બનાવી દીધો છે, અને તેના કારણે મહિલાઓ આત્મનિર્ભર થઈ રહી છે.
આ પણ વાંચો: કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા
નવી ડિઝાઇન માટે રો મટીરીયલ્સ દિલ્હી અને કોલકત્તાથી મંગાવે છે
સુરતમાં રહેતી અનેક સૌરાષ્ટ્રની મહિલાઓ જન્માષ્ટમી દરમિયાન કાન્હાના વાઘાને ગૃહ ઉદ્યોગ બનાવી નવી રોજગારી મેળવી રહી છે. જોકે, હાલ વાઘાના વ્યવસાયમાં પણ ભારે સ્પર્ધા છે અને લોકો ડિઝાઇનર અને નવા લુકના વાઘાનો આગ્રહ રાખે છે, તેથી ભગવાનના વાઘાનો ગહ ઉદ્યોગ કરતી મહિલાઓ પણ સચેત થઈ ગઈ છે. ઓછી કિંમતમાં વધુ સારા વાઘા બનાવવા માટે તેઓ સુરતની લોકલ માર્કેટમાંથી રો મટીરીયલ્સ ખરીદવાને બદલે જથ્થામાં દિલ્હી કે કોલકત્તાથી મટીરીયલ્સ મંગાવે છે. લોકલ માર્કેટમાં એક સરખી ડિઝાઇનનું રો મટીરીયલ્સ મળે છે, જ્યારે દિલ્હી કે કોલકત્તાથી સસ્તા ભાવે યુનિક વસ્તુઓ મળે છે, તેથી તેઓ ત્યાંથી મટીરીયલ્સ મંગાવી રહ્યા છે.
16 ઓગસ્ટ જન્માષ્ટમી હોવાથી તિરંગા વાઘાનો પણ ટ્રેન્ડ
આ વર્ષે જન્માષ્ટમીનો ઉત્સવ સ્વાતંત્ર્ય દિવસને બીજા દિવસે એટલે કે 16 ઓગસ્ટના રોજ છે. જેના કારણે આ વર્ષે સુરતીઓ ઘરે જે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરશે તેમાં ડેકોરેશનમાં તિરંગા થીમ જોવા મળી શકે છે. આ ઉપરાંત 16 ઑગસ્ટના રોજ જન્માષ્ટમી હોઈ સુરતના વાઘા બજારમાં તિરંગા રંગમાં પણ વાઘાની એન્ટ્રી થઈ છે. રાષ્ટ્રધ્વજના થીમમાં પણ વાઘાનું વેચાણ થઈ રહ્યું છે.