અમદાવાદમાં એકસાથે 885 ભાવિકોની માસક્ષમણ તપશ્ચર્યા, આજે વરઘોડો કઢાયો, કાલે રિવરફ્રન્ટ પર પારણાં
Chaturmas 2025: જૈનોના ચાતુર્માસ ચાલી રહ્યા છે. એવામાં અમદાવાદના આંગણે 885 માસક્ષમણ ઐતિહાસિક મહાસાધનાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે 885 તપસ્વીનો ભવ્ય વરઘોડો કઢાયો હતો, શુક્રવારે (15 ઑગસ્ટે) પારણાંનું આયોજન કરવામાં આવ્યું છે.
રિવરફ્રન્ટ ખાતે સામૂહિક પારણાંનું ભવ્ય આયોજન
મળતી માહિતી મુજબ, 15 ઑગસ્ટ, શુક્રવારના રોજ વહેલી સાવારે 8:30 વાગ્યે અમદાવાદ રિવર ફ્રન્ટ પર પારણાંનું આયોજન કરાયું છે. આ પ્રસંગે 885 તપસ્વીઓ હાજર રહેશે. આ પ્રસંગે શહેર સહિત સમગ્ર જૈન સમાજને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા
11થી 14 વર્ષના બાળકોએ પણ કરી 30 ઉપવાસની તપશ્ચર્યા
અમદાવાદમાં આ વર્ષે ચાતુર્માસમાં વિરાજમાન શાસન પ્રભાવક જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજ તથા તેમના શિષ્યોની પ્રેરણાથી સામૂહિક માસક્ષમણ એટલે કે સળંગ 30 ઉપવાસનું તપ અનુષ્ઠાન કરાયું હતું. કુલ 885 ભાવિકો દ્વારા માસક્ષમણની આ તપશ્ચર્યા કરાઈ હતી. આ તમામ તપસ્વીઓને 13 ઑગસ્ટે સુવર્ણ હાર અર્પણ કરીને તેમનું ભવ્ય બહુમાન કરાયું હતું. આ સામૂહિક માસક્ષમણમાં 885 ભાવિકોમાંથી 11થી 14 વર્ષની ઉંમરના 30 નાના બાળકોની સાથે ડૉક્ટરો, સી.એ. અને 84 વર્ષના વૃદ્ધ તપસ્વીઓ પણ સામેલ છે.
180 અને 108 ઉપવાસના પણ તપસ્વીઓ
સૌથી મોટા આશ્ચર્યરૂપે આ સામૂહિક તપ અનુષ્ઠાનમાં 180 અને 108 ઉપવાસના તપસ્વીઓ પણ છે. શુક્રવારે આ તપસ્વીઓનો સળંગ 152મો અને 82મો ઉપવાસ હતો. આ ઉપરાંત 70-50-45 અને 36 ઉપવાસના તપસ્વીઓ પણ છે. બે નૂતન દીક્ષિત મુનિ શાશ્વતરત્નવિજયજી, સાઘ્વી ઋષભમિત્રાશ્રીજી દ્વારા પણ માસક્ષમણ આરાધના કરાઈ છે. એટલું જ નહીં, એક તપસ્વીએ તો પાણી ત્યાગીને ચોવિહાર માસક્ષમણ કર્યું છે.
આ પણ વાંચોઃ જન્માષ્ટમીથી જ 3 રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, બનશે જ્વાળામુખી યોગ
અમદાવાદના આંગણે ભવ્ય આયોજન
જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીએ જણાવ્યું કે, ‘અમે છેલ્લા 8 ચાતુર્માસથી વિવિધ શહેરમાં સામૂહિક માસક્ષમણ કરાવ્યા છે. આ નવમું ચાતુર્માસ છે. કોઈ પણ ચાતુર્માસના માસક્ષમણની સંખ્યાની દૃષ્ટિએ જોઇએ, તો અમદાવાદના માસક્ષમણની સંખ્યા સૌથી વધુ છે. તમામ 9 ચાતુર્માસમાં અમારી નિશ્રામાં કુલ 3198 માસક્ષમણ થયા છે. આ માટે અમદાવાદના પંકજ-આંબાવાડી-ઓપેરા-નવકાર-ગૌતમ સ્વામીના પાંચ સંઘ તેમજ ત્યાં ચાતુર્માસ રહેલા આચાર્ય રશ્મિરત્નસૂરી, આગમરત્નસૂરી, ધર્મરત્નસૂરી, પં. હિતરત્ન વિજયજી, પં. અક્ષયરત્ન વિજયજી, મુનિ પ્રશમરત્ન જેવા અમારો શિષ્યોએ ખૂબ જ પુરુષાર્થ કર્યો છે.
નોંધનીય છે કે, આ તમામ તપસ્વીઓનું 13 ઑગસ્ટે બહુમાન કરાયું હતું. આ ઉપરાંત 14 ઑગસ્ટે વાસણાથી રિવરફ્રન્ટ સુધી ભવ્ય તપયાત્રા વરઘોડો યોજાયો હતો. હવે 15 ઑગસ્ટ, શુક્રવારે રિવરફ્રન્ટમાં નિર્માણ કરાયેલા ધર્મ-સૂર્યોદય તપનગરમાં તમામ તપસ્વીઓનો પારણાંનો કાર્યક્રમ યોજાશે.