ઇન્સ્ટા પર મિત્રતા ભારે પડી! વિધર્મીએ સુરતની યુવતીને બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી 66 હજાર રૂપિયા પડાવ્યા

Surat News : સુરતમાં નોકરી કરતી 20 વર્ષીય યુવતી સાથે ચાર વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કરી અલીગઢના વિધર્મી યુવાને વીડિયોકોલ દ્વારા કપડા ઉતરાવી સ્ક્રિનશોટ લઈ લીધા હતા અને બ્લેકમેઈલ કરીને રૂ.66 હજાર પડાવી ધમકી આપી હતી. સમગ્ર મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા પરિવારની 20 વર્ષની દિકરી સ્વીટી (નામ બદલ્યું છે) ચાર વર્ષ અગાઉ અલીગઢના મોહમંદ ઝીશાન સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવી હતી. માતા-પિતા અને બહેન સાથે રહેતા ઝીશાને પોતાનું ઘર અલીગઢ અને આગ્રામાં છે તેમજ પોતાની કોસ્મેટીકની દુકાન છે, તેમ કહી સ્વીટી સાથે અવારનવાર મેસેજ મારફતે વાત કરી બાદમાં મોબાઈલ નંબર માંગતા સ્વીટીએ તેને નંબર આપ્યો હતો. બાદમાં તેઓ ફોન પર વાત કરતા હતા. ત્યારબાદ ઝીશાને વીડિયો કોલ પર પણ વાત કરવાનું શરૂ કર્યું હતું.
વીડિયો કોલમાં યુવતીના બિભત્સ સ્ક્રિનશોટ લીધા
ઝીશાને સ્વીટીને તું મને ખુબ જ ગમે છે મારે તારી સાથે જ લગ્ન કરવા છે તેમ કહી ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં વીડિયો કોલ ઉપર વાતચીત દરમિયાન સ્વીટી પાસે કપડાં ઉતારાવી તેના સ્ક્રિનશોટ પાડી દીધા હતા. ઝીશાન સ્વીટીને અલીગઢ અને આગ્રા મળવા માટે બોલાવતો પણ હતો. જોકે, તે ગઈ નહોતી. જ્યારે યુવતીએ ઝીશાનને લગ્ન અંગે કહેતા તેણે જાતિ પૂછી હતી. જેમાં યુવતીએ પોતાની જાતિ જણાવતા ઝીશાને તું નીચી જાતિની છે તેવું કહી લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. બાદમાં ઝીશાને અગાઉ પાડેલા બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.
ફોટા વાઈરલ કરવાની ધમકી આપી રૂ.66 હજાર પડાવ્યા
આથી ગભરાયેલી સ્વીટીએ તેના એકાઉન્ટમાં ટુકડે-ટુકડે રૂ.66 હજાર જમા કરાવ્યા હતા. ત્યારબાદ પણ ઝીશાન જો પૈસા નહીં આપે તો ફોટા વાઈરલ કરવાની અને કોઈને જાણ કરી તો મારી નાખવાની ધમકી આપીને તેની પાસે વધુ પૈસાની માંગણી કરતો હોય સ્વીટી ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
આ પણ વાંચો: ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
સમગ્ર મામલે યુવતીના પરિવારને જાણ થતાં ઝીશાન વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં છેડતી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. ચોકબજાર પોલીસની એક ટીમ અલીગઢ રવાના થઇ હતી અને ઝીશાનને ઝડપી પાડ્યો હતો.

