સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા મહિલાનું ઘટનાસ્થળે મોત, જરી બનાવતી ફેક્ટરીમાં બની કરૂણ ઘટના
Surat News : સુરતના ઉધનામાં જરી બનાવવાની ફેક્ટરીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક 42 વર્ષીય મહિલાનો સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ જતાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની પિંકીકુમારી વિરેન્દ્ર પ્રસાદ જરીની ફેક્ટરીમાં કામ કરતા હતા. હાલ પિંકીકુમારી સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતા હતા. જરીની ફેક્ટરીની લિફ્ટનો ઉપયોગ કરીને પિંકીકુમારી ઉપરના માળે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક મહિલાનો સાડીનો છેડો લિફ્ટમાં ફસાયો હતો. જેમાં મહિલાનું માથુ લિફ્ટના દરવાજા અને ફ્લોર વચ્ચે દબાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: સુરતના અડાજણમાં ગણેશ આગમનમાં સ્ટેજ તુટી પડ્યો અનેકને ઈજા, નાસભાગથી લોકોમાં ગભરાટ
સમગ્ર ઘટનાને લઈને રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જ્યારે ફેક્ટરીમાં શ્રમિકોની સુરક્ષા અને લિફ્ટની જાળવણીને લઈને યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેને લઈને પોલીસ વધુ તપાસ આદરી છે.