Get The App

સુરતના અડાજણમાં ગણેશ આગમનમાં સ્ટેજ તુટી પડ્યો અનેકને ઈજા, નાસભાગથી લોકોમાં ગભરાટ

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
સુરતના અડાજણમાં ગણેશ આગમનમાં સ્ટેજ તુટી પડ્યો અનેકને ઈજા, નાસભાગથી લોકોમાં ગભરાટ 1 - image


Surat News: સુરતમાં ગણેશોત્સવ પહેલા આગમનનો ટ્રેન્ડ મોટાપાયે શરુ થયો છે જોકે, કેટલાક આયોજકોએ આગમન યાત્રામાં રાખેલી બેદરકારી ગણેશ ભક્તો માટે વિઘ્નકર્તા સાબિત થઈ રહી છે. સુરતના અડાજણમાં એક ગણેશ આગમન યાત્રામાં સ્ટેજ ઓવર લોડ થતા તૂટી પડ્યું હતું અને અનેક લોકોને ઈજા થઈ હતી. ભૂતકાળમાં આ ગણેશ આયોજકોએ પણ બેદરકારી દાખવી હતી જેના કારણે લાઇટિંગ માટે મુકાયેલું ટાવર તૂટી પડ્યું હતું. પરંતુ રાજકીય પીઠબળના કારણે ગણેશ આયોજકો મોટી ભીડ ભેગી કરે છે પરંતુ સલામતીના નિયમોનો ઉલળીયો કરે છે તેથી લોકો માટે જોખમ ઊભું થયું છે. 

સુરતમાં ગણેશોત્સવ પહેલા ભારે ઠાઠમાઠથી આગમન યાત્રા કાઢવામાં આવે છે અને આ આગમન જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે. મોટાભાગના ગણેશ આયોજકો શોભાયાત્રા કાઢે છે પરંતુ સુરક્ષાની તકેદારી રાખતા ન હોવાથી અકસ્માતની ભિતી રહેલી છે. ગઈકાલે મોડી રાત્રે અડાજણ પ્રાઈમ આર્કેડ વિસ્તારમાં ગાર્ડન ગ્રુપ દ્વારા ગણેશ આગમન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયાં હતા. સ્ટેજ પર ક્ષમતા કરતા વધુ લોકો ભેગા થતા સ્ટેજ ધરાશાયી થઈ ગયું હતું અને અનેક લોકોને ઈજા થઈ હતી. 

સુરતના અડાજણમાં ગણેશ આગમનમાં સ્ટેજ તુટી પડ્યો અનેકને ઈજા, નાસભાગથી લોકોમાં ગભરાટ 2 - image

હજારો લોકો ભેગા થયા હતા ત્યાં સ્ટેજ ધરાશાયી થતા લોકોની ચીચીયારી સાંભળી દોડાદોડી થઈ ગઈ હતી અને ભયનો માહોલ છવાયો હતો.  સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે,  જેમાં આયોજકોની બેદરકારી અને સંભાળવામાં બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થા ની ચર્ચા થઈ રહી છે.  ભક્તોના ઉત્સાહ વચ્ચે થયેલી આ ઘટના વહિવટી તંત્ર અને યોજકો માટે ગંભીર ચેતવણી બની છે.

ભુતકાળમાં અડાજણ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા વખતે લાઈટ નો ટાવર તૂટી પડ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભુતકાળમાં અકસ્માત થયો હોવા છતાં આયોજકો અને તંત્રએ કાળજી ન રાખી હોવાથી ફરી એક વાર દુર્ઘટના થઈ છે અને કેટલાક લોકોને ઈજા પહોંચી છે. આવી સ્થિતિના કારણે ગણેશ ભક્તોમાં ગભરાટ છે અને તંત્ર અને આયોજકો તકેદારી રાખે અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માગણી થઈ રહી છે. 

Tags :