ભાદ્રોડ નજીક કાર-પીકઅપ વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું

મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
રોંગ સાઈડમાં આવેલા પીકઅપ વાહન અને કાર સામસામી અથડાઈ, અન્ય ચારને પણ ઈજા પહોંચી
મહુવા બારપરા મોટી શેરી ખાતે રહેતા કાનજીભાઈ, તેમના પત્ની લીલીબેન, પુત્ર રોહિત અને તેમના ફુવા હરિભાઈ ગતરોજ મોડી રાત્રિના તેમના ફુવાની જીજે.૦૪.ઈઈ.૯૫૧૫ નંબરની કાર લઈને તળાજાથી મહુવા તરફ જઈ રહ્યાં હતા. જયાં ભાદ્રોડ ગામે મીરાપરી ખોડિયાર મંદિર પાસે પહોંચતા સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા જીજ.૦૪.એડબલ્યુ.૬૦૯૫ના પીકઅપ વાહનના ચાલકે તેમની કાર સાથે પોતાનું પીકઅપ વાહન અથડાવી અકસ્માત સર્જયો હતો. જેના કારણે કારમાં સવાર કાનજીભાઈ, તેમના પુત્ર રોહિત અને ફુવા હરિભાઈને તેમજ પીકઅપ વાહનના ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. જ્યારે કારમાં સવાર લીલીબેન કાનજીભાઈ ભાલરીયા (ઉ.વ.૪૮)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે કાનજીભાઈ ગફુલભાઈ ભાલરીયાએ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં પીકઅપ વાહનના ચાલક રાહુલ ઓધાભાઈ જોળીયા (રહે.ભાટકડા, તા.મહુવા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

