Ahmedabad News : અમદાવાદમાં અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આજે(28 ડિસેમ્બર) બપોરે અંદાજે 1 વાગ્યાની આસપાસ કઠવાડા તરફ જતાં રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની ટક્કર વાગતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘટના સમયે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ દરમિયાન ડમ્પરચાલક ભાગવાનો પ્રયાસ કરતાં લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ડમ્પરની ટક્કરે મહિલાનું કમકમાટીભર્યું મોત
મળતી માહિતી મુજબ, અમદાવાદના કઠવાડા તરફ જતાં રોડ પર દાસ્તાન સર્કલથી પસાર થઈ રહેલા 31 વર્ષીય મધુ દેવી નામના મહિલાને પાછળથી પૂરઝડપે આવતા ડમ્પરચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, મધુ દેવીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જે બાદ પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો.
જ્યારે અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ડમ્પરચાલકને આસપાસના લોકોએ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ડમ્પરચાલકને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ડમ્પરચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અકસ્માત સર્જનાર ડમ્પરચાલક અગાઉ પણ ગંભીર અકસ્માતો કરી ચુક્યો છે, જેમાં બે અલગ-અલગ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. વારંવાર અકસ્માત સર્જતા આ ચાલક સામે હવે પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે.


