Get The App

અમદાવાદના ખોખરામાં પોલીસની હાજરીમાં જ ગુંડાગીરી, મસ્કાબન-સિગારેટના પૈસા મુદ્દે દુકાનમાં તોડફોડ

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના ખોખરામાં પોલીસની હાજરીમાં જ ગુંડાગીરી, મસ્કાબન-સિગારેટના પૈસા મુદ્દે દુકાનમાં તોડફોડ 1 - image

Ahmedabad Crime: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરાના ભાઈપુરા રોડ પર અસામાજિક તત્ત્વોનો આતંક જોવા મળ્યો છે. ફાસ્ટ ફૂડની દુકાને નાસ્તો કર્યા બાદ પૈસા ચૂકવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં પોલીસની હાજરીમાં જ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. ખોખરા પોલીસે આ મામલે કડક વલણ અપનાવી આરોપીઓ અને દુકાનદાર સહિતના લોકોની ધરપકડ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, શહેરના ખોખરા ભાઈપુરા રોડ પર રાજેશ વર્મા 'જય અંબે ફાસ્ટ ફૂડ' નામનો સ્ટોલ ચલાવે છે. જ્યાં મોન્ટુ કોષ્ટી નામનો શખસ તેના ત્રણ મિત્રો સાથે આ સ્ટોલ પર મસ્કાબન અને સિગારેટ લેવા આવ્યો હતો. નાસ્તો કર્યાં બાદ બિલની ચુકવણી બાબતે મોન્ટુ અને દુકાનદાર રાજેશ વર્મા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામાન્ય તકરાર બાદ ઉશ્કેરાયેલા મોન્ટુ અને તેના સાથીઓએ દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી, જેના કારણે આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ પણ વાંચો: જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઊઠાવનારા યુવકે કરી આત્મહત્યા, ધમકીઓ મળી રહી હતી

પોલીસ સામે જ મારામારી

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જો કે, નવાઈની વાત એ હતી કે પોલીસની હાજરી હોવા છતાં બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો હતો અને મામલો વધુ બિચક્યો હતો. અસામાજિક તત્ત્વોએ પોલીસનો પણ ડર રાખ્યા વિના જાહેરમાં આતંક મચાવ્યો હતો.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

ખોખરા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી છે. પોલીસે મુખ્ય આરોપી મોન્ટુ કોષ્ટી તેમજ સામા પક્ષે મારામારીમાં સામેલ રહેલા દુકાનદાર રાજેશ વર્માની પણ ધરપકડ કરી છે. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે અને અન્ય ફરાર શખસોની શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લખનીય છે કે, શહેરના ગીચ વિસ્તારોમાં સામાન્ય બાબતોમાં અસામાજિક તત્ત્વો દ્વારા થતી તોડફોડ અને ગુંડાગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આવા તત્ત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે.