VIDEO: જામનગરના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલા ઘરેણાં ભરેલો ડબ્બો લઈને થઈ રફુચક્કર, 2ની અટકાયત
Jamnagar News : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં એક સોની વેપારીની દુકાને ગ્રાહક બનીને આવેલી એક મહિલા રૂ.5.94 લાખના ઘરેણા ભરેલો ડબ્બો ચોરીની ફરાર થઈ ગઈ હતી. સમગ્ર મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે કાલાવડ ટાઉન પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો અને રાજકોટના એક દંપતિની અટકાયત કરીને ત્રણ તોલા સોનું, દોઢ લાખની રોકડ અને મોબાઈલ તથા રિક્ષા વગેરે કબજે કર્યા છે. જ્યારે અન્ય દાગીના લઈને રફુ-ચક્કર થઈ જનાર મુખ્ય આરોપી મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
કાલાવડમાં રૂ.5.94 લાખના દાગીના ચોરી મહિલા ફરાર
કાલાવડ ટાઉનમાં સ્વામિનારાયણ શેરીમાં રહેતા અને મેઇન બજારમાં મંગલમ જ્વેલર્સ નામની સોના-ચાંદીના ઘરેણાંની દુકાન ધરાવતા જયેશકુમાર નવીનચંદ્ર ઝીંઝુવાડીયા નામના વેપારીએ સોના-ચાંદીના ઘરેણાંની ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, ગત 28 જુલાઈ, 2025ના બપોરે પોણા બારેક વાગ્યાના અરસામાં જયેશભાઈ પોતાની દુકાનમાં બેઠા હતા, ત્યારે એક મહિલા ખરીદી માટે આવી હતી. આ દરમિયાન મહિલાએ દુકાનમાંથી અલગ-અલગ ઘરેણાં બતાવવા માટે કહ્યું હતું. જેમાં ડિસ્પ્લેના ટેબલ ઉપર રાખેલો સોનાના દાગીના ભરેલો પ્લાસ્ટિકનો એક પારદર્શક ડબ્બો વેપારીની નજર ચૂકવીને મહિલા ઉઠાંતરી કરીને જતી રહી હતી.
જ્યારે મહિલાના ગયા બાદ વેપારીએ દાગીનાની ગણતરી કરી ત્યારે ખ્યાલ આવ્યો કે, 5,93,854 કિંમતના દાગીના ભરેલો ડબ્બો ગાયબ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી હતી. જેમાં ચોરી કરનાર મહિલા રાજકોટની કિરણબહેન પોપટભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો: શ્રાવણમાં દારૂની રેલમછેલ: જામનગરના ધ્રોલમાંથી 68 લાખનો દારૂ ઝડપાયો, 12 આરોપી ફરાર
ચોરીના કેસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, બનાવના સમયે મુખ્ય આરોપી મહિલા કિરણબહેન દુકાનમાં અંદર ગઈ હતી, જ્યારે તેનો પુત્ર અને પુત્રવધુ બહાર ઊભા હતા અને ડબ્બો લઈને નીકળ્યા બાદ ત્રણેય રિક્ષામાં ભાગી છૂટ્યા હતા. જેમાં પોલીસે રાજકોટના એક દંપતિ કિશન નટુભાઈ સોલંકી અને પૂજાબહેન કિશનભાઈ સોલંકીની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય આરોપી મહિલાની શોધખોળ હાથ ધરી છે.