શ્રાવણમાં દારૂની રેલમછેલ: જામનગરના ધ્રોલમાંથી 68 લાખનો દારૂ ઝડપાયો, 12 આરોપી ફરાર
Jamnagar News : જામનગરના ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમ વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) મોડી રાત્રે દરોડો પાડી રૂ.68.76 લાખનો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 4668 બોટલ ઇંગ્લિશ દારૂ અને 2760 બિયરના ટીન સહિત કુલ રૂ.1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આ દરોડામાં બે લિસ્ટેડ બુટલેગરોની અટકાયત થઈ છે, ત્યારે દારૂ મંગાવનાર સહિત અન્ય 12 જેટલાં મુખ્ય આરોપીઓ ફરાર જાહેર થતાં પોલીસની કાર્યવાહી અને ગુજરાતમાં દારૂબંધીના અમલ પર અનેક સવાલો ઉભા થયા છે.
દારૂ કટિંગ વેળાએ LCB ત્રાટકી
પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ, LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસકર્મીઓ ધ્રોલ પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ધરમપુર ગામની સીમમાં અજય ધીરૂભાઈ રાઠોડની વાડીમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.
વાડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની 8000 થી વધુ દારૂ બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ચેતન હરજીભાઈ પરમાર અને સંજય કારાભાઈ આસુન્દ્રા નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી સાત વાહનો અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1,28,91,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
12 આરોપીઓ ફરાર, પોલીસની કામગીરી શંકાના દાયરામાં
આ દરોડામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ દારૂનો આ માતબર જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધાર મહમદ ઇકબાલ ઉર્ફે ટકી, મોસીન મુસ્લિમ, આકાશ કોળી, વાડી માલિક અજય ધીરૂભાઈ રાઠોડ, અને દારૂનો જથ્થો લેનાર પુષ્પા (રહે. ભોયવાડો જામનગર), સન્ની લાખાભાઈ કોળી સહિત ૧૨ જેટલા શખ્સોને ફરાર જાહેર કરાયા છે. પોલીસ તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવી રહી છે.
શ્રાવણ માસમાં દારૂની રેલમછેલ
શ્રાવણ મહિનામાં ધ્રોલમાંથી આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતાં અનેક સવાલો ઉભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે, રાજસ્થાનથી લાવવામાં આવેલો આ દારૂનો જથ્થો ગુજરાતની સરહદ, ચેકપોસ્ટો અને રસ્તામાં કોઈ પણ પ્રકારના ચેકિંગ વિના છેક જામનગર જિલ્લા સુધી કેવી રીતે પહોંચી શક્યો?
આ પણ વાંચો: શમા પરવીન 10000 લોકોને 'જેહાદ'ના જાળમાં ફસાવી રહી હતી, ગજવા-એ-હિંદ ઇચ્છતી હતી
"દારૂબંધી" માત્ર કાગળ પર?
ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં, આવા મોટા જથ્થાનું બેરોકટોક પરિવહન સૂચવે છે કે કાં તો પોલીસની સતર્કતામાં કચાશ છે, ચેકિંગના નામે માત્ર દેખાડા થાય છે, અથવા તો માનીતા બુટલેગરોને છૂટો દોર મળી રહ્યો છે. આવા બનાવો પોલીસ અને બુટલેગરો વચ્ચેની મિલીભગત તરફ પણ આંગળી ચીંધે છે, જે રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ પર પ્રશ્નાર્થ મૂકે છે. શું પોલીસ ખરેખર દારૂબંધીનો કડકાઈથી અમલ કરી રહી છે, કે પછી આ માત્ર કાગળ પરની દારૂબંધી છે?