અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતા હોસ્પિટલો-શાળાઓ સહિતના 28 એકમો સીલ, AMCની કાર્યવાહી

Ahmedabad News : રાજકોટના ગમખ્વાર ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે સમગ્ર રાજ્યમાં જાહેર સ્થળોએ BU પરમિશન અને ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલ માટે આદેશ આપ્યો હતો, જેના પગલે તે સમયે અમદાવાદમાં AMCના એસ્ટેટ અને ફાયર વિભાગે કાર્યવાહી કરી હતી. જોકે, એક વર્ષના લાંબા ગાળા બાદ કોર્પોરેશનના અધિકારીઓની અચાનક ઊંઘ ઊડતાં, શહેરમાં BU પરવાનગી વિના ચાલતી હોસ્પિટલો, શાળાઓ અને ફૂડ કોર્ટ સામે ફરી એકવાર સપાટો બોલાવવામાં આવ્યો છે. આ કડક કાર્યવાહીમાં AMC દ્વારા એક જ દિવસમાં 16 હોસ્પિટલો અને 10 શૈક્ષણિક સંસ્થાઓ સહિત કુલ 28 જેટલાં એકમોને સીલ કરીને તેમના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
BU પરમિશન ન હોવાથી 28 એકમો સીલ
અમદાવાદમાં 50થી વધુ લોકો ભેગા થતા સ્થળો પર AMCએ કાર્યવાહી કરી છે. જેમાં BU પરમિશન વગર ચાલતી હોસ્પિટલ, શાળા સહિતના કુલ 28 એકમોને સીલ કરવામાં આવ્યા છે. જેમાં 3 ડિસેમ્બરના રોજ AMCના એસ્ટેટ અને ફાયર વિભાગે જ્યાં 50 કે તેથી વધુ વ્યક્તિઓ એકઠા થતા હોય તેવા "એસેમ્બલી બિલ્ડિંગ્સ માં ગંભીર અકસ્માતોને રોકવા માટે સઘન ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશમાં ગેમિંગ ઝોન, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, મલ્ટીપ્લેક્સ, ફૂડ કોર્ટ/રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ/કોમ્યુનિટી હોલ, ટ્યુશન/કોચિંગ ક્લાસ અને શોપિંગ મોલ્સ જેવા વપરાશના બાંધકામોની અધિકૃતતાની વિગતો એકત્રિત કરાઈ હતી.


નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કડક પગલાં લેતા, AMC દ્વારા 16 હોસ્પિટલો, 2 બેન્ક્વેટ હોલ અને 10 શૈક્ષણિક સંસ્થાઓ સહિત કુલ 28 જગ્યાઓને સીલ કરીને તેમનો વપરાશ બંધ કરાવવામાં આવ્યો છે. જોકે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલ દ્વારા ફૂડ કોર્ટ, હોટેલ-રેસ્ટોરાં, ટ્યુશન ક્લાસીસ કે શાળાઓને અપાયેલી નોટિસની આંકડાકીય વિગતો કે સ્થળનું નામ જાહેર કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.

16 હોસ્પિટલો સીલ કરાઈ
BU પરમિશન અને ફાયર સેફ્ટીના પાલન માટે, AMC દ્વારા શહેરમાં 1235 જેટલી હોસ્પિટલોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સામે આવ્યું કે, કુલ 135 હોસ્પિટલો પાસે BU પરમિશન નહોતી. રાહતની વાત એ છે કે આ પૈકી 125 હોસ્પિટલોએ પોતાના બાંધકામોને નિયમિત કરાવવા માટે ઇમ્પેક્ટ ફી હેઠળ અરજી કરી દીધી છે. જોકે, બાકી રહેલી 10 હોસ્પિટલો સામે અગાઉ કોઈ કાર્યવાહી ન થતાં આજે તેમને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, BU પરમિશન અને ફાયર સેફ્ટી વિનાની કુલ 23 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની છે, જેમાંથી 10ને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરાઈ છે અને બાકીની 13 હોસ્પિટલો સામે હવે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી આગળ વધારવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં 9 હૉસ્પિટલો સીલ કરાઈ, BU પરમિશન ન હોવાથી AMCની કાર્યવાહી, જુઓ યાદી
પ્લાસ્ટિક અને જાહેર માર્ગો પર ગંદકી મામલે AMCની કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની માર્ગદર્શન હેઠળ આજે થીમ–બેઝ એક્ટિવિટી અંતર્ગત ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉત્તર ઝોનના તમામ વોર્ડમાં પાનના ગલ્લા, ચાની કીટલીઓ તથા અન્ય ધંધાકીય એકમો દ્વારા પેપર કપનો ઉપયોગ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ, ઉત્પાદન અને સંગ્રહ સાથે જાહેર માર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુલ 4.4 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું છે. જ્યારે જાહેર માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ સર્જતા 8 ધંધાકીય એકમોને સીલ કરી દેવાયા છે. તેમજ 287 એકમોને નોટિસ આપીને રૂ.85,600નો દંડ વસુલવામાં આવ્યો છે.

