'કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાથી કામદારોના જીવ જતા અટકશે?' મેન્યુઅલ સ્કેવેન્જીંગ કેસમાં સરકારને ગુજરાત હાઈકોર્ટનો સવાલ
Manual Scavenging Case: ગટર સફાઈ અને મેન્યુઅલ સ્કેવેન્જીંગ દરમિયાન સફાઈ કામદારોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી કરાઈ હતી. દરમિયાન સોમવારે (11મી ઓગસ્ટ) ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રેની ખંડપીઠે સરકાર અને સત્તાવાળાઓને માર્મિક ટકોર કરી હતી કે, 'ઘણીવાર તો મ્યુનિસિપલ કમિશનરને પણ મેન્યુઅલ સ્કેવેન્જીંગથી કામદારના થતા મોતની જાણ હોતી નથી. શું કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટ કરવાથી કામદારોના જીવ જતા અટકી શકશે? વળી કોન્ટ્રાક્ટરો કે એજન્સીને થોડા સમય માટે જ બ્લેક લિસ્ટ કરાય છે. વાસ્તવમાં કોઈ કોન્ટ્રાક્ટર નિયમો કે શરતો ના પાળે તો, છેવટની જવાબદારી તો, મ્યુનિસિપાલિટી કે મ્યુનિસિપલ કોર્પોરેશનની જ બને.'
જાણો શું છે મામલો
ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં સોમવારે રાજ્ય સરકાર તરફથી જણાવાયું હતું કે, 'સરકારના નવા ઠરાવ અનુસાર, વર્ષ 2025થી ગટર સફાઈ તથા મેન્યુઅલ સ્કેવેન્જીંગ માટે યાંત્રિક સાધનો હોવા ફરજિયાત છે. ભવિષ્યમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વધારાના 209 જેટલા મશીનો આ સફાઈ માટે ઉપલબ્ધ બનવાના છે. જેમાં 59 જેટીંગ મશીન, 133 ડીસીલ્ટીંગ મશીન અને અન્ય 17 જેટીંગ મશીનનો સમાવેશ થાય છે. આ સંદર્ભે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.' સરકારે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે, મેન્યુઅલ ખૂબ જરૂર છે અને આ માટે એક એસઓપી પણ તૈયાર કરાઈ છે.
આ પણ વાંચો: પંચાયત તલાટીઓના માથે ફરી એકથી વધુ ગામડાઓની જવાબદારી, ગુજરાત સરકારે રદ કર્યો નિર્ણય
સરકાર તરફથી એવો બચાવ કરાયો કે, 'હવે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતાં પહેલાં તેની વિશ્વસનીયતા ચેક કરવામાં આવે છે અને સર્ટિફાઈડ એજન્સી જેની પાસે પૂરતા સાધનો હોય તેને જ કામ અપાય છે, કોન્ટ્રાકટરની ચૂકના કિસ્સામાં તેને બ્લેક લીસ્ટ કરી કાર્યવાહી કરાય છે' આ મામલે હાઈકોર્ટે સીધો સવાલ કર્યો હતો કે, શું કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાથી કામદારોના જીવ જતા અટકશે? કોન્ટ્રાક્ટરો નિયમો ના પાળે તો તેવા સંજોગોમાં પણ જવાબદારી નગરપાલિકા કે મનપાની જ ઠરે છે.' કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે વધુ સુનાવણી પહેલી સપ્ટેમ્બર પર નક્કી કરી હતી.