પંચાયત તલાટીઓને ફરી એકથી વધુ ગામડાંની જવાબદારી, ગુજરાત સરકારે રદ કર્યો નિર્ણય
Image: AI |
Gujarat Talati Recruitment: છેલ્લાં ઘણાં વખતથી મહેસૂલ તલાટીઓને પ્રતિનિયુક્તિથી પંચાયત વિભાગના હસ્તક મૂકવા સરકારે વિચારણા કરી હતી. આ મામલે કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. આખરે કોર્ટના આદેશને પગલે સરકારે નિર્ણય રદ કરવો પડ્યો છે. તલાટીઓની ઘટ પ્રવર્તી રહી છે ત્યારે ગામડાંમાં હવે એક જ તલાટીથી કામ ચલાવવું પડે તેવી સ્થિતિ પરિણમી છે.
તલાટીના અભાવે ગ્રામ પંચાયતના શાસન-વહીવટને અસર
ગુજરાતમાં આજે પણ ચાર હજારથી વધુ તલાટીઓની ઘટ પ્રવર્તી રહી છે. તલાટીઓના અભાવે ગ્રામ પંચાયતના શાસન-વહીવટ પર વ્યાપક અસર થઈ રહી છે. રાજ્ય સરકારે મહેસૂલી તલાટીને પ્રતિનિયુક્તિ પર પંચાયત વિભાગ હસ્તક મૂકવા વિચારણા કરી હતી. વર્ષ 2017માં સરકારે પાંચ મંત્રીઓની કમિટી નિમી આ નિર્ણય કર્યો હતો. પ્રત્યેક ગામમાં તલાટી હોય તેવા હેતુસર આ નિર્ણય કરાયો હતો. આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આખરે આ નિર્ણય સરકારે રદ કરવો પડયો છે. હવે મહેસૂલ તલાટીઓને પંચાયત હસ્તક નહીં મૂકાય.
એક તલાટીના માથે બે-ત્રણ ગામડાની જવાબદારી
સરકારે નિર્ણય બદલતાં સ્થિતિ એવી થઈ છે કે, રાજ્યમાં તલાટીઓની ઘટ પ્રવર્તી રહી છે. એક તલાટીના શિરે બે ત્રણ ગામડાંની જવાબદારી છે. દરેક ગામમાં રોડ રસ્તા, પાણી, વેરા, પાણી પત્રકથી માંડીને અન્ય બધીય કામગીરી તલાટીએ કરવી પડે છે. મહેસૂલી તલાટી કરતાં પંચાયત હસ્તક તલાટીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. બીજી બાજુ, હજુ સરકારે તલાટીઓની ભરતી કરી નથી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપના નેતાઓ ભીડ પણ ભેગી કરવામાં નિષ્ફળ, તિરંગા યાત્રાની જવાબદારી તલાટીના માથે
રાજ્ય સરકારનો સંકલ્પ પરંતુ, ભરતી નથી કરાતી
આ સિવાય એવું પણ જાણવા મળ્યું કે, સરકારે નિર્ણય રદ કરતાં હવે મહેસૂલી અને પંચાયત વિભાગની અલગ અલગ ભરતી કરાશે. આમ, ફરી એક જ તલાટીથી કામ ચલાવવું પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પંચાયત હસ્તક તલાટીઓની સંખ્યા માત્ર 10,700 છે. આ જોતાં બધાય ગામડાઓમાં તલાટી હોય તેવો સરકારે સંકલ્પ કર્યો છે પણ ભરતી કરતી નથી.