Dediapada, Narmada News : નર્મદા જિલ્લાના દેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી (TDO) જગદીશ સોની ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. જોકે, આ વખતે વિવાદ કોઈ વહીવટી કામગીરીનો નહીં, પરંતુ તેમના અંગત લગ્નજીવનનો છે. TDOની પત્નીએ પતિ અને સાસરી પક્ષ વિરુદ્ધ દહેજ અને મારઝૂડના ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જ્યારે સામી બાજુ TDOએ પણ પત્ની સામે ગંભીર વળતા આક્ષેપો કર્યા છે. આ મામલો હવે પોલીસ સ્ટેશન અને મીડિયા સુધી પહોંચ્યો છે.
પત્નીનો આક્ષેપ: '50 લાખની માંગણી અને માનસિક અત્યાચાર'
ખાનગી મેરેજ બ્યુરો દ્વારા રાજસ્થાનની પ્રિયંકા સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલા જગદીશ સોની સામે તેમની પત્નીએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રિયંકા સોનીનો આરોપ છે કે,
લગ્ન બાદ પતિ દ્વારા 50 લાખ રૂપિયાના દહેજની માંગણી કરવામાં આવી અને અવારનવાર મારઝૂડ કરવામાં આવી.
જગદીશ સોનીને અન્ય મહિલા સાથે સંબંધ હોવાથી તેને ઘરમાંથી કાઢી મૂકવાનું કાવતરું ઘડાયું.
20 ઓક્ટોબર 2025થી તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે.
પત્નીએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેની ઈચ્છા વિરુદ્ધ સંબંધ બાંધી વીડિયો બનાવવામાં આવ્યો છે. આ સાથે જ નર્મદા પોલીસ પર પણ કોઈ કાર્યવાહી ન કરવાનો આક્ષેપ લગાવ્યો છે.
TDO જગદીશ સોનીનો પક્ષ: 'સાસુ પર હુમલો અને સોનાની માંગ'
આ તમામ આક્ષેપોને નકારતા TDO જગદીશ સોનીએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે જણાવ્યું કે,
પત્ની પ્રિયંકા રાજસ્થાનના રિવાજોનું બહાનું કાઢી વારંવાર પિયર જતી અને સોનાના ઘરેણાં તેમજ રોકડની માંગ કરતી હતી.
મારી માતા (સાસુ) સાથે અવારનવાર ઝઘડા કરી પત્નીએ તેમની પર હુમલો પણ કર્યો હતો, જે અંગે ચાર મહિના પહેલા રાજપીપળા પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી.
જગદીશ સોનીએ જણાવ્યું કે, "જ્યારે મારી એન્જોગ્રાફી થઈ હતી ત્યારે પત્નીએ ઘરમાં હંગામો મચાવ્યો હતો. હું તપાસ માટે મારો મોબાઈલ ફોન FSLમાં આપવા પણ તૈયાર છું."
બંને પક્ષે આક્ષેપ-પ્રતિઆક્ષેપની ઝડી
હાલ પત્ની ફરીથી સાસરે આવવા તૈયાર છે, પરંતુ TDO જગદીશ સોની હવે તેને રાખવા તૈયાર નથી. નોંધનીય છે કે, જગદીશ સોની અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના પર ભાજપના સદસ્યો બનાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
હાલ તો આ હાઈપ્રોફાઈલ પારિવારિક વિવાદમાં સત્ય શું છે તે પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે. બંને પક્ષો પાસે પોતાના સમર્થનમાં ઓડિયો-વીડિયો પુરાવા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.


