Ahmedabad News : અમદાવાદના પોશ ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે એક હત્યા બાદ આપઘાતની ઘટના બની છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પોતાની પત્નીની ગોળી મારી હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવ્યું છે. માત્ર બે મહિના અગાઉ જ લગ્નગ્રંથિથી જોડાયેલા આ નવદંપતી વચ્ચે થયેલી તકરારે લોહિયાળ વળાંક લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો, જે ઉગ્ર બનતા યશરાજસિંહે પત્ની પર ફાયરિંગ કર્યું હતું. આશ્ચર્યજનક રીતે, પત્નીને ગોળી માર્યા બાદ તેમણે પોતે જ 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી અને ત્યારબાદ પોતાની રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં NRI ટાવર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ NRI ટાવરમાં નિવાસ કરતા હતા. ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવીને યશરાજે પોતાની પાસે રહેલા હથિયાર વડે પત્ની રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાની સાથે જ રાજેશ્વરી લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડી હતી. પત્નીને જમીન પર ઢળેલી જોઈ ગભરાયેલા યશરાજે તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ તબીબોએ તપાસતા રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી.
જ્યારે 108નો સ્ટાફ કાર્યવાહી પૂર્ણ કરી ઘરની બહાર નીકળ્યો, તે જ ક્ષણે યશરાજે પણ તે જ હથિયાર વડે પોતાના માથે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પડોશીઓ અને સોસાયટીના રહીશો કંઈ સમજે તે પહેલા જ એક હસતું-રમતું ઘર માતમ છવાઈ ગયો હતો. હાલમાં વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, ગુનો નોંધીને ઝઘડા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.


