કચ્છના બુટલેગર યુવરાજસિંહ પર કોના આશીર્વાદ? દર અઠવાડિયે પંજાબથી મંગાવતો દારૂની બે ટ્રક
AI image |
Liquor Smuggling In Gujarat: પાલનપુર એલસીબી પોલીસની ટીમે જગાણા નજીક જિલ્લાના ઈતિહાસમાં પહેલીવાર 1.17 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ પછી પોલીસ તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, કચ્છના ત્રગડી ગામના બુટલેગર યુવરાજસિંહના આયોજનબદ્ધ નેટવર્ક હેઠળ પંજાબની ડિસ્ટીલરીમાંથી આયોજનબદ્ધ રીતે દર અઠવાડિયે દારૂ ભરેલી બે ટ્રકની ખેષ મારવામાં આવી હતી, તેમાંથી એક જ પકડાઈ છે. રાજસ્થાનના બૂટલેગર સાથેની સાંઠગાંઠમાં ત્રગડીનો બુટલેગર પંજાબથી દારૂ મગાવતો હતો અને હિમાચલ પ્રદેશથી માલ ભર્યાના બીલ બનાવીને ટ્રક સરળતાથી કચ્છ સુધી પહોંચાડવામાં આવતી હતી. ટ્રકચાલક તાજમહંમદ હિંગોળજા અને ખલાસી હૈદરખાનને છ દિવસના રિમાન્ડ ઉપર મેળવી કોલ ડીટેલના આધારે કચ્છ તપાસ આરંભાઈ છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, બુટલેગરો દ્વારા બનાસકાંઠાના વિવિધ માર્ગો પરથી પંજાબનો દારૂ ગુજરાત અને કચ્છમાં ઘૂસાડવામાં આવે છે. શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) પાલનપુર એલસીબી પોલીસની ટીમે જગાણાથી સિદ્ધપુર જતા રોડ પર નાકાબંધી ગોઠવીને 1.17 કરોડ રૂપિયાનો દારૂ-બિયર ભરેલી ટ્રક પકડી પાડી હતી. હિમાચલ પ્રદેશથી ચોખાનું ભૂસું ભરેલું છે તેવા બિલો બનાવીને પંજાબથી દારૂ-બિયર ભરીને લાવતાં ટ્રકચાલક તાજમહંમદ ઈબ્રાહિમખાન હમીદખાન હિગોલજા અને ખલાસી હૈદરખાન શેરૂખાન સબાનખાન નુઈશને પાલનપુર ગ્રામ્ય પોલીસે છ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. હવે એલસીબી પોલીસ દારૂ જ્યાં ઠલવાવાનો હતો તે કચ્છ ઉપરાંત દારૂ જ્યાંથી લવાય છે અને જ્યાંના બીલો બનાવાય છે તેવા પંજાબ, હરિયાણા તથા હિમાચલ પ્રદેશ સહિત બંને રાજ્યોમાં પણ તપાસ લંબાવશે. અન્ય મોટા માથાઓ અને વિદેશથી સંચાલન કરતાં બુટલેગરો અંગે પણ તપાસ ચાલી રહી છે.
પાલનપુર પોલીસની તપાસમાં એવી વિગતો ખુલી છે કે, રાજસ્થાનના અતઈખાન જુમાખાન મુસલમાન અને ટ્રક માલિક મિસરીખાન કમરુદ્રીનખાન મુસલમાન કચ્છના દારૂ મંગાવનાર બુટલેગર યુવરાજસિંહ જાડેજાના ઈશારે કામ કરી રહ્યાં છે. અઠવાડિયા પહેલા પણ અતઈખાન અને મિસરીખાનના કહેવાથી ભટીંડાથી દારૂ ભરીને આજ ટ્રકમાં મુન્દ્રા પોર્ટથી આગળ હોટલ ઉપર યુવરાજસિંહ વજુભા જાડેજાને આપી હતી. પરત ફરી ભટીંડા બાયપાસ પાસે અંતઈખાનનો માણસ ટ્રક લઈ ગયો હતો. બંને ભટીંડા રેલવે સ્ટેશન પાસે/હોટલમાં રોકાયા અને આ જ માણસ ફરી ટ્રક દારૂ ભરીને લઈને આવ્યા હતા. ભટીંડા, હનુમાનગઢ, ભારતમાલા રોડ, બિકાનેર, જોયપુર, પાલી, આબુ રોડ થઈ ચોથી સપ્ટેમ્બર રાતે અમીરગઢ બોર્ડર પસાર કરી ખેમાણા ટોલ પ્લાઝાથી 8 કિ.મી. દૂર અમીરગઢ બાજુ હોટલ પર રોકાયા હતા.
કચ્છના બુટલેગર યુવરાજસિંહની ભૂમિકા મહત્ત્વ
અતઈખાનની સુચના મુજબ નીકળ્યા અને પાલનપુરથી સિદ્ધપુર જતા હતા, ત્યાં પોલીસે પકડ્યા. સિદ્ધપુર, પાટણ, વિરમગામ, સામખિયાળી થઈ મુન્દ્રા જવાનું હતું કે જેથી રૂટમાં કોઈ પોલીસ ચેકપોસ્ટ નથી. ટ્રકના માલીક, બાડમેરનો મિસરીખાન મુસલમાન અતઈખાનના બંને સાથે મળી દારૂનો ધંધો કરે છે. પંજાબમાં જ વેચવાનો દારૂ ગેરકાયદે રીતે કચ્છ અને ગુજરાતમાં ધુસાડવામાં આવી રહ્યો છે, તેમાં કચ્છના બુટલેગર યુવરાજસિંહની ભૂમિકા મહત્ત્વની બની છે છતાં તેને પોલીસ પકડી શકી નથી.
સૂત્રોના જણાવ્યાનુસાર, પોલીસે એફઆઇઆરમાં દાખલ કરેલા તમામ આરોપીઓની કોલ ડીટેલ્સ મંગાવી છે. પોલીસનું માનવું છે કે ટ્રક માલિક અને અન્ય આ વેપલો લાંબા સમયથી ચલાવતા હતા. આ દારૂ સંભવિત રીતે પંજાબના ભટીંડાથી ભરીને લવાયા અંગે પણં પોલીસ તપાસ કરી રહી છે. એસીબી પોલીસને મળેલા બિલની પણ હિમાચલ પ્રદેશ જઈ ક્રોસ વેરિફિકેશન કરી તપાસ કરાશે કે આ બીલ અસલી છે કે નકલી છે.
બુટલેગરો થયા અપડેટ
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દારૂ વેચાણ કરતા બુટલેગરો અપડેટ થતા જાય છે. હાલ નવી સ્થિતિમાં આવા આંતરરાજ્ય બુટલેગરો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દારૂ પહોંચતો કરવા ડ્રાઇવરોને હાથો બનાવે છે. જેમાં દારૂ ટ્રકમાં અન્ય જગ્યાએથી ભરી, એવા લોકેશન પર જઈ ડ્રાઇવરને ટ્રકનો હવાલો સોંપે છે કે જે જગ્યાએ સીસીટીવી હોતા નથી અને લોકેશન ટ્રેસ થતું નથી. તો, ટ્રકમાં જીપીએસ સિસ્ટમ રાખીને બૂટલેગરો તેને ટ્રેસ કરતાં હોય છે. આ દારૂ ક્યાં લઈ જવો? ટ્રક ક્યાંથી લઈ જવી? ક્યાં ઊભી રાખવી? કયા વાળવી? ક્યાંથી ડ્રાઈવર્ઝનલેવું? તેવી તમામ સૂચનાની વોટ્સ-એપ ઉપરઆપ લે થાય છે. આ સંજોગોમાં દારૂની હેરાફેરીના નેટવર્કને ભેદવું અને અમુક પોલીસકર્મીની ભૂમિકા શોધવી એ પડકારરૂપ બની રહ્યું છે.
આ પણ વાંચો: સલામત ગુજરાતના દાવા વચ્ચે અસામાજિક તત્ત્વો બેફામ; અમદાવાદ-સુરતમાં બળાત્કારના કેસો વધ્યા
કચ્છના બુટલેગર યુવરાજસિંહને કોના આશિર્વાદ?
બનાસકાંઠા સરહદથી દારૂ ધુસાડીને ત્રણ જિલ્લામાંથી ટ્રકો દોડાવીને છેક કચ્છ સુધી પહોંચતી કરતાં કચ્છના બુટલેગર યુવરાજસિંહ જાડેજાને કોના આશિર્વાદ છે? તેવી ચર્ચા થઈ રહી છે. મૂળ ત્રગડીના યુવરાજસિંહ સામ વર્ષ 2016થી અત્યાર સુધીમાં માંડવીમાં પાંચ, મુન્દ્રામાં ત્રણ, ગઢશીશામાં એક એમ નવ ગુના કચ્છમાં નોંધાઈ ચૂક્યાં છે, છતાં તેને ઝડપી લેવા કે તેનું નેટવર્ક રોકવા કાર્યવાહી થઈ નથી. યુવરાજસિંહ સામે અમીરગઢમાં એક ગુનો નોંધાયો હતો. હવે 11મો ગુનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ચાલુ વર્ષે ત્રગડી ગામે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા યુવરાજસિંહનો 83 લાખનો, તલવાણામાં ભુજ એલસીબીએ 1.54 કરોડ રૂપિયાનો અને છેલ્લે ઓગષ્ટમાં ત્રગડી ગામેથી 41 લાખનો દારૂ પકડાયો હતો. આમ છતાં 10 ગુનાના મોસ્ટ વોન્ટેડ બૂટલેગર યુવરાજસિંહનું દારૂનું નેટવર્ક બેરોકટોક ચાલતુ રહે અને અમુક જ માલ પકડાય છે.
બનાસકાંઠા સરહદ ગુજરાતમાં દારૂ-ડ્રગ્સનો ગેટ-વે હોવાની વિગતો સાચી ઠરી
બનાસકાંઠા સરહદ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો ગેટ-વે હોવાની વિગતો પોલીસે પાલનપુર પોલીસે અનેક ઘટસ્ફોટ કર્યાં છે. બુટલેગરો અને યાદવ નામના વહીવટદાર વચ્ચે સાંઠગાંઠ અંગે અનેક ચર્ચાઓ વચ્ચે પણ બોર્ડર રેન્જ આઈજીપી જાણે સબ સલામતની આહલેક પોકારી રહ્યાં હોય તેવી સ્થિતિ હોવાની ચર્ચા છે. રેન્જ આઈજીપી ઈચ્છે તો ઉદ્યોગગૃહો સાથે સંકળાયેલાં લોકોની પાર્ટીઓ તેમજ યુવાધનને બરબાદ કરતાં ડ્રગ્સ અને દારૂના ગેરકાયદે નેટવર્ક ઉપર અંકુશ મેળવી શકે છે. પરંતુ જમીનના રોકાણોના કરોડોના નફાનો વિક્રમ સર્જવામાંથી સમય મળે તો જ કચ્છ-બનાસકાંઠાના બોર્ડર એરિયાને નશાખોરીમાંથી મુક્તિ મળે તેમ હોવાની પણ લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.