આ તે કેવું ઈન્સ્પેક્શન? સરકારે મે મહિનામાં ચકાસણી કરી અને 56 જ દિવસમાં ગંભીરા બ્રિજ તૂટ્યો
Gambhira Bridge Collapse: ગુજરાત સરકારે સોમવારે (8 સપ્ટેમ્બર) વિધાનસભાનું સત્ર શરૂ થયું હતું. વિધાનસભાના પહેલાં જ દિવસે વિપક્ષના નેતાઓએ સરકારની કામગીરી વિશે અનેક મહત્ત્વના પ્રશ્નો કર્યા હતા. આ સવાલોમાં અનેક ધારાસભ્યોએ ગંભીરા બ્રિજને લઈને સવાલ કર્યા હતા. આવા જ એક સવાલના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે, 9 જુલાઈએ સર્જાયેલી ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યા હતા. આ બ્રિજનું નિરીક્ષણ બે મહિના પહેલાં 15 મે, 2025ના દિવસે જ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ...તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું
કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ કર્યો સવાલ
કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા અને ઈમરાન ખેડાવાલ દ્વારા આ મુદ્દે લેખિત સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ બ્રિજનું છેલ્લું નિરીક્ષણ 15 મે, 2025ના દિવસે કરવામાં આવ્યું હતું અને છેલ્લાં 6 મહિનામાં બ્રિજ વાહન-વ્યવહાર માટે સલામત નથી તેવી કોઈ રજૂઆત નળી નહતી.
18 પુલો સલામતીના કારણે બંધ કરાયા
નોંધનીય છે કે, આ ઘટના બાદ રાજ્યના માર્ગ અને મકાન (R&B) વિભાગના ચાર અધિકારીઓને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, દુર્ઘટના પછી વિભાગે સમગ્ર ગુજરાતમાં 1,054 મુખ્ય અને 5,475 નાના પુલોનું ફરીથી નિરીક્ષણ કર્યું. આમાંથી 148 પુલો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને 18 પુલો સલામતીના કારણોસર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ સલામત ગુજરાતના દાવા વચ્ચે અસામાજિક તત્ત્વો બેફામ; અમદાવાદ-સુરતમાં બળાત્કારના કેસો વધ્યા
સરકારના જવાબ બાદ ઊભા થયા પ્રશ્નો
જોકે, આ મુદ્દે સૌથી મહત્ત્વનો સવાલ એ ઊભો થાય છે કે, જો 15 મેના દિવસે બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો નિરીક્ષણના 56 દિવસમાં બ્રિજના બે ભાગમાં તૂટી કેમ પડ્યો? શું આ નિરીક્ષણ ફક્ત કાગળ ઉપર જ કરવામાં આવ્યું હતું? અને જો ખરેખર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો બ્રિજની કથળતી સ્થિતિ નિરક્ષણના રિપોર્ટમાં સામે આવી કે કેમ? જો આ રિપોર્ટમાં બ્રિજની ખરાબ સ્થિતિ સામે આવી હતી તો આ લોકોની અવર-જવર માટે બંધ કરી સમારકામ હાથ કેમ ધરવામાં ન આવ્યુ? શું ખરાબ પરિસ્થિતિની જાણ હોવા છતા લોકોને મરવા માટે છોડી દેવામાં આવ્યા હતા?