Get The App

નોટબંધીનું સૌથી ચર્ચિત નામ, કોણ છે મહેશ શાહ ? ક્યાંથી આવ્યા આટલા રૂપિયા ?

Updated: Mar 17th, 2022

GS TEAM


Google News
Google News
નોટબંધીનું સૌથી ચર્ચિત નામ, કોણ છે મહેશ શાહ ? ક્યાંથી આવ્યા આટલા રૂપિયા ? 1 - image



17મી માર્ચ, 2022 ગુરૂવાર

અમદાવાદ : કાળાનાણાંના દૂષણને ડામવા માટે 8મી નવેમ્બર, 2016ના રોજ રૂ.500 અને રૂ.1000ની જુની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત મોદી સરકારે કરી હતી. નોટબંધીમાં રોકડ પેટે જમા પડેલ કાળાનાણાંને ટેક્સ ભરીને સાર્વજનિક કરવા માટે સરકારે ઈન્કમ ડિકલેરેશન સ્કીમ(IDS) લાગુ કરી હતી. આ સ્કીમની ડેડલાઈન હતી 30મી સપ્ટેમ્બર, 2016. જોકે આ અવધિ સમાપ્ત થાય તે પહેલાં જ અમદાવાદના એક વૃદ્ધિ વ્યક્તિએ 11.35 કલાકે રૂ. 13,860 કરોડના કાળાનાણાંની જાહેરાત કરતા જ અમદાવાદ સહિત દિલ્હીના ઈન્કમ ટેક્સ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. અમદાવાદ સહિત દેશભરમાં આ વાત વાયુવેગે પ્રસરતા ચકચાર મચી ગયો હતો. અડધી રાત્રે નાણા મંત્રાલયના ટોચના અધિકારીઓને પણ આ વાત જણાવવાની ફરજ પડી હતી.

આ સ્કીમ અંતર્ગત દેશભરમાંથી રૂ. 65,250 કરોડના કાળા નાંણાંની જાહેરાત થઇ હતી. દેશના કુલ જાહેર થયેલ કાળાનાણામાંથી 20% તો માત્ર અમદાવાદના મહેશ ચંપકલાલ શાહ( ઉ.વ. ૬૭, રહે. ૨૦૬, મંગલ જ્યોત એપાર્ટમેન્ટ, સેટેલાઇટ) દ્વારા જ જાહેર કરવામાં આવ્યા હતા.

સૌથી મોટો સવાલ એ થાય કે આ મહાશય પાસે આટલી બધી રોકડ રકમ આવી ક્યાંથી ? આટલી બધી નોટો તેણે ક્યાં સંગ્રહી રાખી હશે ? આ પૈસા તેના જ છે કે બીજા કોઈના ? રકમ પણ મોટી હતી એટલે સ્વાભાવિક છે કે જો પૈસા મહેશના નહોતા તો બીજા કોઈ મોટા માથાના જ આ પૈસા હતા. અમુક અહેવાલો અનુસાર આ રકમ ગુજરાતના ટોચના ઉદ્યોગપતિ-રાજકારણી, તો અમુક અહેવાલ અનુસાર આ પૈસા રાજસ્થાન અને મધ્યપ્રદેશના ટોચના એક મંત્રીના હતા.

પૈસા જમા કરાવે તે પહેલાં જ દરોડા :

જમીન દલાલીનું કામ કરતા મહેશ શાહ અમદાવાદમાં આવેલા જોધપુર ચાર રસ્તા ખાતેના ત્રણ રૂમના ફ્લેટમાં રહેતા પરંતુ મોટા ભાગે તે મુંબઈમાં જ રહેતો હતો. આસપાસના પડોશીઓ પણ જણાવ્યું કે મહેશના પત્ની કેન્સરની બિમારીથી લાંબા સમયથી પીડાતા હતા.

અમદાવાદની સીએન પેઢી અપાજી અમિન એન્ડ કંપની દ્વારા મહેશે આ આ બેનામી સંપત્તિ જાહેર કરી હતી. જોકે 30મી નવેમ્બર સુધી ટેક્સની રકમના ૨૫ ટકા લેખે રૂપિયા ૧૫૫૯ કરોડ સરકારી તિજોરીમાં જમા કરાવવા મહેશ શાહને આદેશ કરાયો હતો અને તેણે પૈસા જમા કરાવવાની તૈયારી પણ દર્શાવી હતી.

જોકે ૨૮મી નવેમ્બર સુધી આ રૂપિયા જમા ન થતાં આયકર વિભાગે તેની પ્રપોઝલ નકારી તેના અને તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. આ ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા મહેશ શાહને શોધવા માટે આવકવેરા વિભાગ ઉપરાંત ઈડી સહિતની તમામ કેન્દ્રીય સંસ્થાઓ કામે લાગી ગઇ હતી ત્યારે જ એકાએક શાહે એક ચેનલની ઓફિસે પહોંચીને ઈન્ટરવ્યુ આપીને ઘટસ્ફોટ કર્યો કે આ પૈસા મારા નથી અને હું ભાગેડું નથી કે ફરાર  પણ નહોતો થયો. અંગત કામ માટે મુંબઇ હતો. ત્યારે જ આઈટી વિભાગની ટીમે સર્ચ શરૂ કરી દેતાં હું ડરી ગયો હતો. મોબાઇલ બંધ કરી સલામત સ્થળે પહોંચી ગયો હતો. મારી ઉપર જે આક્ષેપો થઇ રહ્યા હતા અને પરિવારને જે પરેશાની થતી હતી તે માટે જ મીડિયા સમક્ષ હાજર થઇ ગયો છું’.

આ સમગ્ર કૌભાંડમાં બે સવાલ દેશભરના લોકોને હજી સુધી સતાવી રહ્યા છે કે કયા કૌભાંડીઓએ ભેગા મળીને મહેશ શાહને રૂ. 13,860 કરોડના કાળા નાણાંમાં મહોરૂં બનાવ્યું તે લોકો કોણ હતા અને એકાએક એવું શું બન્યું કે મોટા માથાં અચાનક જ ખસી ગયા અને તેમણે આ રૂપિયા ભરવાનો ઇનકાર કરી દીધો ? બીજો સવાલ એ કે ૩૦મી નવેમ્બર સુધી રાહ જોવાને બદલે ૨૮મી નવેમ્બરે જ આવકવેરા વિભાગે કેમ તેની પ્રપોઝલ રદ કરી સર્ચ શરૂ કરી દીધું. આઇડીએસની વિગતો ગુપ્ત રાખવાની હોઇ ઇન્કમટેક્સના બીજા વિભાગોને તેની માહિતી ન હોય તે સ્વભાવિક છે, પરંતુ ઇન્વેસ્ટિગેશન વિંગે 28 નવેમ્બરે દરોડા પાડતા તેમને ખબર પડી કે મહેશે આઇડીએસમાં ડેકલેરેશન કર્યું છે.

શાહે આપ્યો હતો ખુલ્લો પડકાર : મને પાંચ હાર્ટ એટેક આવ્યા છે, છઠ્ઠો તેમને લાવી દઇશ !

ચોતરફથી અટવાઈ જતા અંતે મહેશ શાહે 3જી ડિસેમ્બરે એક ખાનગી ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારી ઉંમર ૬૭ વર્ષની છે અને મને પાંચ વખત હાર્ટ એટેક આવી ગયા છે. હવે છઠ્ઠો એટેક મને ફસાવી દેનારાને હું લાવી દઈશ. આયકર વિભાગ સમક્ષ સંપૂર્ણ રજૂઆત કરીને આ તમામને ડંકાની ચોટ ઉપર સમાજની સામે લાવીને જ રહીશ. મારે મારા નામ ઉપર લાગેલું આ કૌભાંડીનું કલંક મીટાવવાનું છે’’. ચાલુ ઈન્ટરવ્યુમાં જ શાહને સરખેજ પોલિસે ઉપાડીને લઈ ગઈ હતી અને 15 મિનિટમાં જ આઈટી અને ઈડીના અધિકારીઓએ આવીને તેની કસ્ટડી લઈ લીધી હતી.

જોકે આજે તેમના નિધન સાથે અનેક સવાલો વણઉકેલ્યાં જ રહી ગયા છે છતાં અનેક સવાલોના જવાબ આવકવેરા વિભાગ પાસે હતા પરંતુ તે ક્યારેય જગજાહેર થશે કે કેમ તે એક મોટો સવાલ હજી ઉભો જ રહી ગયો છે.

આ પણ વાંચો : નોટબંધી સમયે રૂ. 14,000 કરોડનું કાળુ નાણું જાહેર કરનાર મહેશ શાહનું નિધન

Tags :