જિલ્લા પંચાયતનાં નવા ભવનનાં પાયા હજુ ખોદાયા નથી ત્યાં ખર્ચમાં 15 કરોડનો વધારો
રાજકોટ જિ. પં.ની સામાન્ય સભામાં ચાર માળનાં બિલ્ડિંગ પ્લાનને મંજૂરી : રૂા. 7.30 કરોડનાં નાણાં પંચનાં કામોને કોઈ ચર્ચા વિના મંજૂરી, કોંગ્રેસનાં સભ્યોને આયોજનનાં પ્રશ્રો ઉઠાવવાનો મોકો ન અપાયો
રાજકોટ, : રાજકોટ જિલ્લા પંચાયતનાં નવા ભવનમાં કન્સલટન્ટ એજન્સીને લઈને વિલંબ થયા બાદ આજે મળેલી સામાન્ય સભામાં નવો બિલ્ડીંગ પ્લાન મંજૂરી માટે મુકાયો ત્યારે ખર્ચનાં અંદાજમાં આશરે પ૦ ટકા વધારા સાથેની દરખાસ્ત મુકવામાં આવી હતી. હજુ તો નવા ભવનનાં પાયા ખોદાયા નથી ત્યાં તેનો અંદાજિત ખર્ચ રૂ. 45 કરોડનો મંજૂર કરવામાં આવ્યો હતો. વિપક્ષનાં કોઈ સભ્યોએ નવા ભવન અંગે કોઈ સૂચન કર્યુ ન હતુ.
રાજકોટ જિલ્લા પંચાયતનાં નવા ભવન માટે રાજય સરકારે આશરે રૂ. 30 કરોડનું બજેટ ફાળવ્યુ હતુ તે મૂજબ શાસકોએ નમૂનેદાર ભવન બનાવવા વધુ ખર્ચ થશે તે અંગે પંચાયત મંત્રી સમક્ષ પણ ચર્ચા કરી હતી પરંતુ આજે સામાન્ય સભામાં હજુ ડિઝાઈન એપ્રૂવ્ડ કરવાનાં તબકકામાં જ 50 ટકા વધુ આશરે રૂ. 45 કરોડના ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ પ્રોજેકટ પુરો થશે ત્યારે ખર્ચ કયાં પહોંચશે. આશરે 18,000 ચો.મી. જગ્યામાં ચાર માળનું ભવન મીની ઓડિટોરીય સાથે બનશે.
પ્રમુખનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં 15માં નાણાં પંચનાં આશરે રૂ. 7.30 કરોડનાં વિકાસ કામોને એક અવાજે મંજૂર કરવામાં આવ્યા હતા. ભૂગર્ભ ગટર, શાળાનાં કમ્પાઉન્ડ હોલ, કોઝ - વે, સોલાર લાઈટ સહિતનાં કામોને મંજૂરી અપાઈ હતી. વિપક્ષનાં નેતા સભામાં ગેરહાજર હતા ત્યારે કોંગ્રેસનાં બીજા સભ્યોએ આયોજન પંચનાં કામો અંગે જ કેટલાક મૂદાઓ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શાસકોએ ઝડપથી બેઠક આટોપી લેતા વિપક્ષનાં સભ્યો પ્રશ્નો ઉઠાવી શકયા ન હતા. ખાસ સામાન્ય સભા હોવાથી પ્રશ્નોતરી રાખવામાં આવી ન હતી પરંતુ આયોજનનાં કામો માટે જ સભા બોલાવવામાં આવી હોવા છતાં નાણાં પંચનાં પ્રશ્નો પૂછવાનો મોકો પણ વિપક્ષનાં સભ્યોને અપાયો ન હતો. સામાન્ય સભામાં મેજ ડાયરીનું વિમોચન કરાયું હતુ.