જુવારના ખરીફ પાકમાં ઘટાડાથી ભાવ ઘંઉથી બમણાં ગુજરાતમાં ઘંઉનો પાક લેવામાં ઉત્સાહ વધ્યો,વિક્રમી વાવેતર થયું જેના પગલે જુવારના વાવેતર ઘટતા મહત્વનું મિલેટ મોંઘુ
રાજકોટ, : આરોગ્ય પ્રતિ જાગૃત લોકો હવે મિલેટ્સને રોજિંદા ભોજનમાં સ્થાન આપી રહ્યા છે જેમાં જુવાર મુખ્ય છે. બીજી તરફ કૃષિ વાવેતરમાં તેનાથી વિપરીત ટ્રેન્ડ જોવા મળ્યો છે અને ,જુવારનું વાવેતર ઘટવા સાથે ઘંઉમાં મોટો વધારો થયો છે. જેની અસર ભાવ ઉપર જોવા મળી છે. યાર્ડમાં ટુકડા ઘંઉના ભાવ ગત વર્ષે 600ને પાર હતા તે આ વર્ષે સીઝન પૂર્વે ઘટીને પ્રતિ મણ 500-530 અને લોકવન ઘંઉ તો રૂ।. 495થી 510ના ભાવે સોદા થઈ રહ્યા છે ત્યારે જુવારના ભાવ રૂ।. 900થી 1153 થયા છે.
ગત વર્ષે આ જ સમયે ઘંઉ ટૂકડા રૂ।. 602-681ના ભાવે વેચાતા હતા, આમ આ વર્ષે પ્રતિ મણ 100થી 150નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ગત વર્ષે આ સમયે જુવારના પ્રતિ મણ રૂ।. 800થી 1000ના ભાવ ખેડૂતોને મળતા હતા, તે સામે આ વર્ષે પ્રતિ મણ રૂ।. 100થી 150નો વધારો જોવા મળ્યો છે.
જુવાર એ એવો પાક છે જે શિયાળો અને ચોમાસુ (ખરીફ) બન્ને ઋતુમાં લેવાય છે. ઈ.સ. 2025-26ના વર્ષની ખરીફ સીઝનમાં ગત વર્ષે 18,970 હેક્ટરમાં જુવારનું વાવેતર થયું હતું અને આશરે 26000 ટનનું ઉત્પાદન થયું હતું. આ ઉપરાંત રવી ઋતુ સહિત આ વર્ષમાં જુવારનું કૂલ ઉત્પાદન 32,360 હે.માં આશરે 50,000 ટન થયું હતું.
આ વર્ષે કૃષિ વિભાગના પ્રાથમિક અંદાજ મૂજબ જુવારનું ખરીફ વાવેતર ઘટીને 15,490 હેક્ટર એટલે કે આશરે 3500 હેક્ટર ઘટયું છે અને ઉત્પાદનનો અંદાજ 23,840 ટનનો છે. જ્યારે ઘંઉનું ઉત્પાદન ગત વર્ષે જ વધીને 44.97 લાખ ટન થયું હતું, આ વર્ષે વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે 50 લાખ ટનને આંબી જવાની શક્યતા છે. હવે જુવારનું વાવેતર કરવાની સીઝન આગામી ચોમાસામાં આવશે.


