સગરામપુરાના બિલ્ડરને ધાક-ધમકી આપી રૂા. 3 લાખની ખંડણી માંગનાર ફારૂક સહિત બે ઝડપાયા
તમે બાંધકામ કરો છો તો અમારૂ પણ ધ્યાન રાખો, આ અમારો એરિયો છે અને બાંધકામ કરવું હોય તો પૈસા આપવા પડશે નહિ તો એસએમસીમાં અરજી કરી તોડાવી નાંખીશું એવી ધમકી આપી હતી
સુરત તા. 19 જુલાઇ 2020 રવિવાર
સગરામપુરા લુહાર શેરીમાં મકાનનું રીનોવેશન કરાવી રહેલા બિલ્ડરને `તમે બાંધકામ કરો છો તો અમારૂ પણ ધ્યાન રાખો, આ અમારો એરિયો છે અને તમારે બાંધકામ કરવું હોય તો તમારે મને રૂા. 3 લાખ આપવા પડશે` એમ કહી ખંડણી માંગી માથાભારે ફારૂક તિલ્લોઇ સહિત બે જણાની અઠવાલાઇન્સ પોલીસે ધરપકડ કરી હતી.
સગરામપુરા લુહાર શેરી 1 સ્થિત વોર્ડ નં. 22 માં મકાન નં. 3203 નું રીનોવેશન કરી રહેલા બિલ્ડર યુનુસ મો. હુસેનમીયા લોખંડવાલા (ઉ.વ. 55 રહે. ઘર નં. 12/395 હકીમ ચીચી ફાર્મસી સામે, ટંકશાળીવાડ, રાણીતળાવ) ને છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક વિસ્તારનો માથાભારે અઝીઝ જરીવાલા અને ફારૂક તલ્લોઇ ધમકી આપતા હતા. અઝીઝે યુનુસને કહ્યું હતું કે તમે બાંધકામ કરો છો તો અમારૂ પણ ધ્યાન રાખો, આ અમારો એરિયો છે અને તમારે બાંધકામ કરવું હોય તો રૂા. 3 લાખ તો આપવા જ પડશે. તમે પૈસા નહિ આપો તો એસએમસી અરજી કરી તમારૂ બાંધકામ તોડાવી નાંખીશ અને એસએમસી નહિ તોડે તો અમે તોડી નાંખીશું. પરંતુ એસએમસીમાંથી પરવાનગી મેળવી રીનોવેશન કરનાર યુનુસે પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. દરમ્યાનમાં મકાનમાં સીસીટીવી લગાવી રહેલા યુનુસ અને તેના બે પુત્ર ઇરફાન તથા ઇમરાન અને ભત્રીજો અબુબકર પાસે ઘસી જઇ અઝીઝ અને ફારૂક તલ્લોઇ સહિત ચાર જણાએ અત્યારે જ રૂા. 3 લાખ આપવા પડશે એમ કહી લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. ઉપરાંત બાંધકામ સુપરવાઇઝર રાસીદભાઇ પાસેથી ઘરની ચાવી છીનવી લીધી હતી. આ ઘટનામાં અઠવાલાઇન્સ પોલીસે માથાભારે રીઢા ગુનેગાર મોહમદ ફારૂક ઉર્ફે ફારૂક તલ્લોઇ ગુલામ મોહમદ મુલ્લા (ઉ.વ. 60 રહે. 504, સાબરી પેલેસ, કબીરપુરા, સગરામપુરા) અને અબ્દુલ અઝીઝ અબ્દુલ ગની જરીવાલા (ઉ.વ. 37 રહે. લુહાર શેરી, સગરામપુરા) ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.