વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન, ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ; ખેડૂતોમાં ચિંતા વ્યાપી

Gujarat Rain Forecast: ગુજરાતના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. એક બાજુ અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની હવામાનની આગાહી છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ગરમીથી રાહત આપી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધારી છે.
ઓખા બંદર પર સિગ્નલ 3 યથાવત, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સતત બીજા દિવસે નંબર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ભારે વરસાદ અને દરિયામાં ભારે કરંટ સાથે તોફાની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા આ સિગ્નલ તાત્કાલિક અસરથી લગાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે બંદર પરથી માલસામાનનું વહન કરતી નાની હોડીઓ અને જહાજોએ અત્યંત સાવચેત રહેવું અને શક્ય હોય તો પ્રસ્થાન ટાળવું.
આ પણ વાંચોઃ વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે
માછીમારોને સ્પષ્ટ સૂચના
વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમાર ભાઈઓને આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા અને કિનારા પર જ રહેવા જણાવાયું છે. દરિયામાં ગયેલી તમામ બોટને સલામત સ્થળે લાંગરવા નિર્દેશ અપાયો છે. તંત્ર દ્વારા ઓખા બંદર સહિતના દરિયાકાંઠા પર સઘન નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.
પંચમહાલ અને વડોદરામાં કમોસમી વરસાદ
ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ જોવા મળ્યો છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં વહેલી સવારે અચાનક વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને ઝરમર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતા ઉકળાટ અને ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી. આ વરસાદને કારણે રસ્તાઓ પરની ધૂળ બેસી ગઈ હતી અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું, જેણે ગ્રામ્ય વિસ્તારોમાં નવી તાજગી ભરી દીધી છે.
વડોદરામાં લાભ પાંચમની શુભ શરૂઆત ખોરવાઈ
શિયાળાની શરૂઆત સાથે જ વડોદરા શહેરમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે 'અષાઢી માહોલ' સર્જાયો હતો. સયાજીગંજ, રાવપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં લાભ પાંચમના દિવસે ધંધાની શરૂઆત કરતા વેપારીઓમાં ચિંતા જોવા મળી હતી. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે, કારણ કે કપાસ, ડાંગર, મગફળી અને તલ જેવા પાકો તૈયાર છે અથવા લણણીના આરે છે. વરસાદને કારણે લણાયેલા પાકને નુકસાન થવાની ભીતિ છે.
આ પણ વાંચોઃ મોરબીની મચ્છુ નદીમાં આપઘાતના ઈરાદે યુવકે મારી છલાંગઃ બચાવવા ગયેલા મિત્ર સહિત બેના મોત
આરોગ્યવિદ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, આવી ભેજવાળી અને અચાનક ઠંડીથી તાવ, ખાંસી, શરદી અને ડેન્ગ્યુ જેવા રોગોમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે આગામી પહેલી નવેમ્બર સુધી મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.
આગામી દિવસોની જિલ્લાવાર આગાહી
- 27 ઓક્ટોબર (યલો એલર્ટ): અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી.
- 28 ઓક્ટોબર (યલો એલર્ટ): પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ.

