Weather Alert for Gujarat: ગુજરાતમાં ઠંડી વચ્ચે હવે ખેડૂતો અને લોકો માટે ચિંતાના સમાચાર આવ્યા છે. ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેને લઈને ભારતીય હવામાન વિભાગે(IMD) આજે (23મી જાન્યુઆરી) રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમસોમી વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થવાની સંભાવના છે.
આ પણ વાંચો: નળસરોવરમાં યાયાવર પક્ષીના શિકાર? વન વિભાગના દરોડામાં 38 પક્ષી કબજે, 3 આરોપી ફરાર
માવઠાની આગાહીને પગલે અગમચેતીના પગલાં લેવા ખેડૂતોને અપીલ
સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહિત કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે અગમચેતીના પગલાં લેવા અપીલ કરાઈ છે. કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાક અને લણણી કરેલા પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે, ત્યારે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખૂલ્લો પડ્યો હોય તેવા ખેડૂતોએ ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવા. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
ખેતીની પેદાશો ઉપરાંત, ખેડૂતોએ વાવેતર માટે રાખેલા બિયારણ અને ખાતરનો જથ્થો પણ પલડે નહીં તે રીતે સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. એ.પી.એમ.સી. ખાતે માલ લઈને આવતા ખેડૂતો અને વેપારીઓને પણ આગોતરી સાવચેતી રાખવા વિનંતી કરાઈ છે. જેમાં ખેતપેદાશોને બજાર સમિતિના શેડ નીચે રાખવી અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત કરવા.


