Get The App

નળ સરોવરમાં પક્ષીઓના શિકારની આશંકા, વન વિભાગના દરોડામાં 38 પક્ષી કબજે, 3 આરોપી ફરાર

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
નળ સરોવરમાં પક્ષીઓના શિકારની આશંકા, વન વિભાગના દરોડામાં 38 પક્ષી કબજે, 3 આરોપી ફરાર 1 - image


Nalsarovar Bird Poaching Case: શિયાળાની ઋતુમાં દૂરથી આવતા યાયાવર પક્ષીઓનું આશ્રયસ્થાન ગણાતા નળ સરોવરમાં પક્ષીઓના શિકારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વન વિભાગ અને પોલીસના સંયુક્ત રીતે ધરજી (દુરગી) ગામમાં દરોડા પાડીને 38 જેટલા વિદેશી પક્ષીઓને શિકારીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે. જો કે, શિકારીઓની નિર્દયતાને કારણે અનેક પક્ષીઓએ દમ તોડી દીધો છે.

વન વિભાગે ધરજી ગામના ત્રણ ઘરોમાં તપાસ કરી

વન વિભાગને બાતમી મળી હતી કે ધરજી ગામના મેણી વાળા ફળિયામાં કેટલાક લોકોએ ગેરકાયદે રીતે પક્ષીઓને કેદ કરી રાખ્યા છે. આ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ત્રણ ઘરોમાંથી કુલ 38 પક્ષીઓ મળી આવ્યા હતા. શિકારીઓએ આ પક્ષીઓ ઉડી ન શકે તે માટે તેમની પાંખો બાંધી દીધી હતી.

પક્ષીઓ ઉપરાંત વન વિભાગે સ્થળ પરથી શિકાર માટે વપરાતી પાંખડ, ચાઈનીઝ દોરીની ફિરકીઓ અને પતંગો પણ કબજે કર્યા છે.

આ પણ વાંચો: 24 કલાકમાં ગુજરાતમાં ત્રીજા પોલીસકર્મીનો આપઘાત, ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાધો

11 પક્ષીઓના મોત

38 પક્ષીઓને મુક્ત કરાવ્યા બાદ તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી. એક પક્ષી દરોડા દરમિયાન ઘટના સ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યું હતું. બાકીના પક્ષીઓને તાત્કાલિક અમદાવાદના બોડકદેવ વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન અન્ય 10 પક્ષીઓના મોત થયા હતા. હાલ 27 પક્ષીઓ સારવાર હેઠળ છે.

વન વિભાગે આ મામલે કડક વલણ અપનાવતા ગામના સરપંચની હાજરીમાં શિકારીઓના ત્રણેય ઘરોને સીલ મારી દીધા છે. આ દરોડાની જાણ થતા જ ત્રણેય શિકારીઓ ફરાર થઈ ગયા છે. વન વિભાગ અને પોલીસે તેમની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યાં છે.