કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદીમાં પૂર, શહેરાના અનેક ગામોમાં ખેતરો થયા જળમગ્ન
Panchmahal News : પંચમહાલ અને મહીસાગર સહિત આસપાસના જિલ્લાઓમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. કડાણા ડેમના ઉપરવાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી ડેમની જળસપાટી સતત વધી રહી છે. પરિણામે કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક અને પંચમહાલના પાનમ ડેમમાંથી 80 હજાર ક્યુસેકથી વધુ પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેનાથી નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે.
ખેડૂતોનો મોંઘેરો પાક પાણીમાં ગરકાવ, વળતરની માગ
મહીસાગર નદીનું જળસ્તર વધતાં નદીકાંઠાના અનેક ગામો પ્રભાવિત થયા છે. શહેરા તાલુકાના બીલીથા, બોરડી, બાકરિયા, ખરોલી અને સાદરા જેવા ગામોમાં મહીસાગર નદીનું પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. આ ગામોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોનો ડાંગર, મકાઈ, શાકભાજી, તમાકુ અને ઘાસચારો જેવા મોંઘા પાકોને મોટાપાયે નુકસાન થયું છે.
ખેડૂતોએ ભારે મહેનત અને ખર્ચ કરીને પકવેલો પાક પાણીમાં ગરકાવ થઈ જતાં તેમને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતો હવે સરકાર પાસે પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માગ કરી રહ્યા છે.
તંત્ર દ્વારા નદીકાંઠાના ગામોને ઍલર્ટ કરાયા
ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ખાનપુર તાલુકાના 16, લુણાવાડાના 63, કડાણાના 27, ગોધરાના 6 અને શહેરાના 12 ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા હતા. જોકે, તેમ છતાં પણ નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ઘૂસી જવાથી ભારે નુકસાન થયું છે. ખેડૂતો જણાવે છે કે, કડાણા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાય ત્યારે આવી જ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે, જેના કારણે તેમને વારંવાર નુકસાન વેઠવું પડે છે.
આ દુર્ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ડેમ મેનેજમેન્ટ અને નીચાણવાળા વિસ્તારોની સુરક્ષા માટે વધુ અસરકારક આયોજનની જરૂર છે, જેથી ખેડૂતોને આવી આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.