ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંતામાં વધારો
Surat News: સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા તાપી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે લોકોને ટેન્શન ઉભુ થયું છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે બનેવાવાયેલા કૃત્રિમ તળાવ તાપીના પાણીમાં ગરક થઈ ગયા છે. આવતીકાલે (શનિવારે) ગણેશ વિસર્જન છે તે પહેલાં પાણી ઓસરી નહી જાય તો કોટ વિસ્તારની પાંચ ફૂટથી નાની પ્રતિમાનું વિસર્જન ક્યાં અને કઈ રીતે કરવું તે પ્રશ્ન ગણેશ આયોજકો સાથે તંત્ર માટે પણ પેચીદો બન્યો છે.
સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા સુરતીઓના જીવ તાળવે ચોંટ્યો છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. આ પાણી નાવડી ઓવારા અને ડક્કા ઓવારામાં ભરાયા છે. પાલિકાએ ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યા છે તે તળાવ પણ તાપી નદીના પાણીમાં ગરક થઈ ગયા છે.
સુરત સહિત ગુજરાતના અનેક જગ્યાએ વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તે પ્રમાણે ગઈકાલ રાતથી ભારે વરસાદ થયો હતો. આ ઉપરાંત વિયરના ઉપરવાસ અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો છે અને 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે આવતીકાલના ગણેશ વિસર્જન માટે વિઘ્ન ઉભુ થયું છે.
ઉકાઈથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે અને વહેણ પણ ભારે જોવા મળી રહ્યું છે. જેના કારણે આજે સવાર સુધીમાં પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવ તાપી નદીમાં ગરક થઈ ગયા છે.
સુરતમાં 80 હજારથી વધુ શ્રીજીની સ્થાપના થઈ છે અને પાલિકાએ ડક્કા ઓવારા સહિત શહેરના જુદા જુદા વિસ્તારમાં 21 કૃત્રિમ તળાવ બનાવ્યા છે. કોટ વિસ્તારમાં પાંચ ફૂટ સુધીની સંખ્યાબંધ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. જેની સંખ્યા પણ વધુ છે ત્યારે આજે સવારે તાપી નદીના પાણીમાં ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ ગરકાવ થઈ જતાં હવે આ પ્રતિમાનું વિસર્જન ક્યાં અને કેવી રીતે કરવું તેની ચિંતા પાલિકા અને વહિવટી તંત્રને થઈ છે.