મહીસાગર નદીમાં વણાકબોરી ડેમનું 3.5 લાખ ક્યુસેક પાણી છોડાશે, ક્લેક્ટરે આપી ચેતવણી
Mahisagar News : ઉપરવાસના ભારે વરસાદને કારણે કડાણા અને પાનમ ડેમમાંથી લગભગ 3.5 લાખ ક્યુસેક પાણી છોડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આ દરમિયાન ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે આ પાણી સીધી રીતે વણાકબોરી ડેમ સુધી પહોંચશે અને ત્યાંથી મહીસાગર નદીમાં છોડવામાં આવશે. પરિણામે આજે (4 સપ્ટેમ્બર) રાત્રે આશરે 11:30 વાગ્યા સુધીમાં નદીમાં જળસ્તર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે.
મહીસાગર નદી નદીકાંઠાના તમામ ગામોને એલર્ટ કરાયા
આ પરિસ્થિતિને ધ્યાને લઇને ખેડા અને આણંદ જિલ્લાના કલેક્ટરોએ તાત્કાલિક સુચનાઓ બહાર પાડીને નદીકાંઠાના તમામ ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે સ્થાનિકોને નદી પટ્ટામાં નહીં જવા ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા તંત્ર સુરક્ષાને અનુલક્ષીને લોકોને જાગૃત કરી રહ્યું છે, જેથી જાનહાનિ કે નુકસાન ટાળી શકાય. નદીકાંઠે વસતા લોકોને સાવચેત રહેવા, જરૂર પડશે તો સલામત સ્થાને ખસેડાવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
મહીસાગર નદીનું પાણી લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસ્યું
મહીસાગરના કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડતાં તાત્રોલી પાસે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો છે. સમગ્ર ઘટનામાં પ્લાન્ટમાં કામગીરી કરી રહેલા 5 કર્મચારીઓ પ્લાન્ટના કૂવામાં ગુમ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. સમગ્ર મામલે પ્લાન્ટ સંચાલકોની બેદરકારીનો આરોપ લાગ્યા છે.