Get The App

VIDEO: મહીસાગર નદીનું પાણી લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસ્યું, પ્લાન્ટના 5 કર્મચારી ગુમ, કડાણા ડેમમાંથી છોડાયું હતું પાણી

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: મહીસાગર નદીનું પાણી લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસ્યું, પ્લાન્ટના 5 કર્મચારી ગુમ, કડાણા ડેમમાંથી છોડાયું હતું પાણી 1 - image


Mahisagar News : ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી-નાળા અને ડેમ છલકાયા છે, ત્યારે મહીસાગરના કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડતાં તાત્રોલી પાસે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો છે. સમગ્ર ઘટનામાં પ્લાન્ટમાં કામગીરી કરી રહેલા 5 કર્મચારીઓ પ્લાન્ટના કૂવામાં ગુમ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. સમગ્ર મામલે પ્લાન્ટ સંચાલકોની બેદરકારીનો આરોપ લાગ્યા છે.

પ્લાન્ટના કૂવામાં 5 કર્મચારી ગુમ

મળતી માહિતી મુજબ, કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં આજે ગુરુવારે (4 સપ્ટેમ્બર) પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. જેમાં 5 કર્મચારીઓ પ્લાન્ટમાં ગરકાવ થયા છે.

VIDEO: મહીસાગર નદીનું પાણી લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસ્યું, પ્લાન્ટના 5 કર્મચારી ગુમ, કડાણા ડેમમાંથી છોડાયું હતું પાણી 2 - image

પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીએ શું કહ્યું?

પ્લાન્ટમાં કામ કરતા કર્મચારી મનીષભાઈ માછીએ જણાવ્યું હતું કે, બપોરે 2 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. તે સમયે મશીન રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. કર્મચારીઓએ પાણીનું લેવલ પૂછ્યું હોવા છતાં ફરજ પરના અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય માહિતી આપવામાં આવી ન હતી. મનીષભાઈના આક્ષેપ મુજબ, ઘનશ્યામ પટેલ અને દિનેશ દવે સહિતના અધિકારીઓ ઘટના બાદ ભાગી ગયા હતા. દુર્ઘટના સમયે લગભગ 15 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, જેમાંથી પાંચ ડૂબી ગયા અને અન્ય તરતા આવડતું હોવાથી બચી ગયા. કેટલાકને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા છે.

મોરબી ઝૂલતા પુલના સંચાલકનો પ્લાન્ટ?

મનીષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ હાઈડ્રો પાવર પ્લાન્ટ 'અજંતા પાવર પ્રોજેક્ટ'ના નામે ચાલી રહ્યો છે, જે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના સાથે સંકળાયેલા જયસુખ પટેલનો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે, નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં કર્મચારીઓ પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું, જે કંપનીની બેદરકારી સૂચવે છે.


આ પણ વાંચો: તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો

પોલીસ તપાસ શરૂ: ડીપ ટ્રેકરનો ઉપયોગ

જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) સફીન હસન સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. SPએ જણાવ્યું કે, દોલતપુરા ગામમાં આવેલા અજંતાના પાવર પ્લાન્ટમાં બપોરે 3:50 કલાકે આ ઘટના બની હતી. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.

ડૂબી ગયેલા કર્મચારીઓને શોધવા માટે અત્યાધુનિક 'ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 10 કિલોનું આ વાહન 200 મીટર સુધી ઊંડાણમાં જઈ શકે છે અને 100 કિલો સુધીની વસ્તુઓ બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે. આ ડીપ ટ્રેકર 4K કેમેરા, નાઈટ ઓપરેશન માટે શક્તિશાળી લાઈટ અને મલ્ટીબીમ SONAR ટેકનોલોજીથી સજ્જ છે, જે ડહોળા પાણીમાં પણ સ્પષ્ટપણે ઓપરેશન પાર પાડી શકે છે. અગાઉ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પણ આ વ્હીકલે વાહનો અને પુરાવા શોધવામાં મદદ કરી હતી.

VIDEO: મહીસાગર નદીનું પાણી લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસ્યું, પ્લાન્ટના 5 કર્મચારી ગુમ, કડાણા ડેમમાંથી છોડાયું હતું પાણી 3 - image

ગુમ કર્મચારીઓના નામ

શૈલેષભાઈ શામજીભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)

શૈલેષભાઈ રમણભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)

ભરતભાઈ અખમાભાઈ પાદરીયા (રહે. દવાલીયા, જિ. મહીસાગર)

અરવિંદભાઈ ડામોર (રહે. ઓકલીયા)

વાયરમેન નરેશભાઈ (રહે. ગોધરા)

3 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું

ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણામાંથી આજે (4 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યે 3 લાખ ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.  

VIDEO: મહીસાગર નદીનું પાણી લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસ્યું, પ્લાન્ટના 5 કર્મચારી ગુમ, કડાણા ડેમમાંથી છોડાયું હતું પાણી 4 - image

Tags :