મહેસાણાના વિજાપુર નજીક બાંધકામ કરતી વખતે દીવાલ ધસી પડતાં 6 શ્રમિક દટાયા, 3ના મોત

Vijapur Wall Collapse : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધસી પડતાં 6 શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 શ્રમિકોને ઇજા પહોંચી છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દીવાલ ધસી પડવાની ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુંદરપુરા ગામમાં મહાદેવવાળા વાસ વિસ્તારમાં મકાનના પાયા ખોદવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બાજુના મકાનની દીવાલ ધરાશાયી થતાં કોન્ટ્રાક્ટર સહિત 6 શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં રણજીતજી ઠાકોર (ઉ.વ.40 રહે. જુના ફુદેડા), જીતેન્દ્રજી ચૌહાણ (ઉ.વ.25 રહે. જુના ફુદેડા) અને બાબુભાઇ ભોરીયા (ઉ.વ.45 હાલ રહે.સરદારપુર)નું મોત નીપજ્યું છે. જ્યારે હરેશભાઇ પટેલ, ઈન્દીરાબેન કિશોરી અને ચંદ્રીકાબેનને ઇજા પહોંચી હતી. દીવાલ પડી ઘટના અંગે જાણ થતાં સ્થાનિકોએ બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ત્યારબાદ સ્થાનિક તંત્રએ જેસીબી મશીનની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. હાલ તમામ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

