'વોટ ચોરી'ના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, "વોટ ચોર, ગાદી છોડ"ના નારા લગાવ્યા
Congress Protests in Gujarat: ગુજરાતમાં કોંગ્રેસ વોટ ચોરીના મામલે આક્રમક મૂડમાં જોવા મળી હતી. ત્યારે આજે (22મી ઓગસ્ટ) રાજ્યના અનેક શહેરોમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરતમાં રાજકારણીઓ અને પાટીદાર અનામત આંદોલન માટે એપી સેન્ટર એવા વરાછા રોડ, મીની બજારમાં કોંગ્રેસે વોટ ચોરી મુદ્દે દેખાવો કર્યા હતા. તો બીજી તરફ પંચમહાલ અને ગોધરાના સરદાર નગર ખંડ નજીક 'વોટ ચોર, ગાદી છોડ'ના સૂત્રો સાથે કોંગ્રેસે દેખાવો કર્યા હતા.
ચાલુ વરસાદમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન
સુરત પાલિકાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. અચાનક જ બધા પક્ષના નેતા, કોર્પોરેટરો અને કાર્યકરો સક્રિય થઈ ગયાં છે. અત્યાર સુધી બે ચાર નેતાઓને બાદ કરતા સુસ્ત કોંગ્રેસ પણ સક્રિય થઈ ગઈ છે. સુરત પાલિકાની ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ અચાનક સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસે જાહેર કરેલા 'વોટ ચોર, ગાદી છોડ'નો કાર્યક્રમ અંતર્ગત શુક્રવારે સુરતના વરાછા વિસ્તારમાં દેખાવ કર્યો હતો. વિરોધ પ્રદર્શન સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો તેમ છતાં કોંગ્રેસીઓ વરસતા વરસાદમાં પણ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું.
આ પણ વાંચો: અનિરુદ્ધ સિંહ જાડેજાની માફી રદ; હાઈકોર્ટનો આત્મસમર્પણનો આદેશ: અમિત ખૂંટ કેસમાં પણ ઝટકો
ગોધરા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા
આ તરફ પંચમહાલમાં પણ વોટ ચોરી મામલે કોંગ્રેસ દ્વારા દેખાવ કર્યો હતો. ગોધરાના સરદાર નગર ખંડ પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 'વોટ ચોર, ગાદી છોડ'ના સૂત્રો સાથે હાથમાં પ્લેકાર્ડ અને તિરંગા સાથે વોટ ચોરી મુદ્દે દેખાવ કર્યો હતો.