વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા વડોદરા એરપોર્ટ આસપાસની ઇમારતોનું ઊંચાઈ બાબતે નિરીક્ષણ કરી કાર્યવાહીની માગ

image : Social media
Vadodara Airport : અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાએ કદી ભુલાય નહી તેવી પીડા આપી છે. ત્યારે વડોદરામાં તકેદારીના ભાગરૂપે આવી દુર્ઘટના રોકવા વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા એરપોર્ટ આસપાસની ઇમારતોનું નિરીક્ષણ કરી એરપોર્ટ એનઓસીથી વધુ ઊંચાઈની ઇમારતો ધ્યાને આવે તો બાંધકામ પરવાનગી આપનાર તથા બિલ્ડર-ડેવલપર સામે ફોજદારી કાર્યવાહીની રજૂઆત કરવામાં આવી છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિએ વડોદરા મ્યુનિસિપલ કમિશનર, મુખ્યમંત્રી તથા અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગને લેખિત રજૂઆત કરી છે કે, વડોદરા કોર્પોરેશન અને વુડાના બાંધકામ પરવાનગી આપનાર અધિકારીઓને એરપોર્ટ ઓથોરીટી દ્વારા વડોદરા એરપોર્ટના નિયત વિસ્તારોમાં મહત્તમ ઉચાઇ દર્શાવતા જાહેર કરેલા કલર કોડેડ ઝોનીંગ મેપ અને નોકાસ (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એપ્લિકેશન સિસ્ટમ) અંગેની કોઈ જાણકારી નથી. કોઈ ખોટી એરપોર્ટ એન.ઓ.સી. લાવ્યું હોય તો પણ આ સિસ્ટમ થકી ઓફિસમાં બેઠા ખબર પડી જાય તેમ છે. સમા ખાતે ડ્રાઈવર ફળિયાના મકાનો તોડી બનાવેલા બગીચામાં ઉભો કરેલો હાઈમાસ્ટ ફ્લેગ માટેનો પોલ પણ એરપોર્ટ ઓથોરીટીની નોકાસમાં દેખાતા મહત્તમ ઉંચાઈ કરતા વધારે છે. કોર્પોરેશન અને વુડાનું બાંધકામ પરવાનગી વિભાગ બિલ્ડરો સાથે મિલીભગત કરી એરપોર્ટ ઓથોરીટીની નિયત એન.ઓ.સી. વિના વધુ પડતી ઉંચાઈની બાંધકામ પરવાનગી આપે છે. જેમાં એરપોર્ટ એન.ઓ.સી. અંગેની તમામ જવાબદારીઓ અરજદારની રહેશે તેવું જણાવી શરતી રજાચિઠ્ઠી આપે છે જેનો અર્થ બાંધકામ પરવાનગી આપનારની કોઈ જ જવાબદારી નથી, માત્ર અરજી કરનારની જ છે. ખરેખર જવાબદાર અધિકારીએ બાંધકામ પરાવનગી માંગવામાં આવે તે અરજીની સાથે એરપોર્ટ નું એન.ઓ.સી. ફરજીયાત રજુ કરેલું હોવું જ જોઈએ, અને એરપોર્ટની એન.ઓ.સી સાચી હોવા અંગે એરપોર્ટ ઓથોરીટી પાસેથી ખરાઈ પણ કરાવવી જોઈએ.
ઊંચા બાંધકામો કોમ્યુનીકેશન કરવા અને ડેટા મોકલવાના રડારની કાર્યક્ષમતાને અસર કરે છે
ઇન્ડિયન એરક્રાફ્ટ એક્ટ 1934 ના સેક્શન 9-એ થી 14, એરક્રાફ્ટ (ડીમોલીશન ઓફ ઓબસ્ટ્રકશન કોઝ્ડ બાય બિલ્ડીંગ એન્ડ ટ્રીઝ એક્સેટ્રા) રૂલ્સ, 1994 અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા 17 ડીસેમ્બર,2020 ના બનાવેલ રૂલ “ ધ મીનીસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (હાઈટ રીસ્ત્રીકશનસ ફોર સેફગાર્ડન્ગ ઓફ એરક્રાફ ઓપરેશનસ) એમેન્ડમેન્ટ રૂલ્સ, 2020” માં સ્પષ્ટ જણાવ્યું છે કે એરપોર્ટના ચોક્કસ વિસ્તારોમાં આવતા ઊંચા બાંધકામો એરપોર્ટ પરથી કોમ્યુનીકેશન કરવા અને ડેટા મોકલવાના રડારની કાર્યક્ષમતાને અસર કરે છે. મહત્તમ ઊંચાઈ માટે એરપોર્ટ એન.ઓ.સી. માંગનાર અરજદારે સ્થળના આંકડા સબમિટ કરેલા હોય તે “વર્લ્ડ જીયોડેટીક સિસ્ટમ-84” મુજબ 0.5 મીટરની ચોકસાઈ મુજબના હોવા જોઈએ.

