Get The App

વિસાવદરના ભાજપના ઉમેદવાર વિવાદમાં! નોમિનેશન ફોર્મમાં કિરીટ પટેલે વૈભવી કાર છુપાવી!

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
વિસાવદરના ભાજપના ઉમેદવાર વિવાદમાં! નોમિનેશન ફોર્મમાં કિરીટ પટેલે વૈભવી કાર છુપાવી! 1 - image


Visavadar By-Election: વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે પણ ચૂંટણી પંચ કડક બની નિયમ મુજબ કાર્યવાહી કરતું હોવાના દાવાઓ થઈ રહ્યા છે. ઉમેદવારોએ એફિડેવિટમાં નિયત તમામ વિગતો જાહેર કરવી ફરજિયાત છે. પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ચૂંટણી પંચને આપેલી માહિતી ખોટી હોવાની વિગત બહાર આવી છે. તેમની પાસે લક્ઝરી કાર હોવા છતાં સોગંદનામામાં જાહેર કર્યું નથી. કડક કાર્યવાહીના દાવા કરતું ચૂંટણી તંત્ર ભાજપના ઉમેદવારે છૂપાવેલી વિગતો અંગે શું કાર્યવાહી કરશે તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ફોર્ચ્યુનર કાર આરટીઓમાં કિરીટ પટેલના નામે 

ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એક વિવાદમાં ફસાયા છે. સોમવારે (બીજી જૂન) જંગલની જમીન રેવન્યુમાં તબદિલ કરી દીધી હોવાના મુખ્યમંત્રીની હાજરીમાં બણગા માર્યા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારીપત્ર રજુ કર્યું હતું. તેમાં કિરીટ પટેલે પોતાની પાસે એકપણ કાર ન હોવાનું દર્શાવ્યું છે. હકીકતે ટોયોટા કંપનીની GJ -18-BG-1602 નંબરની ફોર્ચ્યુનર કાર આજની તારીખે આરટીઓમાં કિરીટ બાલુભાઈ પટેલના નામે બોલે છે. આ કાર પહેલી મે 2017ના ખરીદવામાં આવી હોવાનો આરટીઓમાં ઉલ્લેખ છે. માલિકના મોબાઈલ નંબરમાં પણ કિરીટ પટેલના નંબરનો ઉલ્લેખ છે. 

વર્ષ 2017માં કિરીટ પટેલે વિસાવદર બેઠક પરથી ઉમેદવારી કરી હતી. ત્યારે આ કાર દર્શાવી પણ હતી પરંતુ આ વખતે ઉમેદવારીપત્રમાં કોઈ કારણસર કારની વિગત જાહેર નહીં કરી છૂપાવવામાં આવી છે, જે ચૂંટણી પંચના નિયમ મુજબ ગેરવ્યાજબી ગણાય છે.

કિરીટ પટેલનો દાવા 'હું ક્યારેય ભૂલ ન કરૂ'

ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ અંગે વાંધો લેવામાં આવ્યો હતો, પરંતુ તેનું ફોર્મ માન્ય રહ્યું હતું. ત્યારબાદ મંગળવારે (ત્રીજી જૂન) રાત્રે ભેસાણમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પરથી કિરીટ પટેલે દાવાઓ કર્યા હતા કે, ‘મારા જિલ્લા પ્રમુખ તરીકેના બે ટર્મના કાર્યકાળ દરમિયાન બે લોકસભા, બે વિધાનસભા, જિલ્લાની તમામ નગરપાલિકા, તાલુકા- જિલ્લા પંચાયતની બે-બે વાર ચૂંટણી થઈ છે. તેમાં એકપણ ઉમેદવારનું ફોર્મ રદ થયું નથી. નાનામાં નાની બાબત અંગે સામાન્ય કાર્યકરની હું કાળજી રાખું છું તો મારા ફોર્મમાં કેટલી કાળજી રાખી હોય, હું થોડો ક્યારેય ભૂલ કરૂ’ 

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, પ્રવક્તા અમિત નાયકે અચાનક રાજીનામું ધર્યું


જો કે આવો દાવો કરનાર કિરીટ પટેલે ફોર્મમાં ગાડી અંગેની વિગતો છૂપાવી ગંભીર ભૂલ કરી હોવાનું સામે આવ્યું છે. આરટીઓમાં હજુ પણ કાર કિરીટ પટેલના નામે બોલતી હોવા છતાં શા માટે ઉમેદવારીપત્રના સોગંદનામામાં વિગતો જાહેર ન કરી? તેવા સવાલો ઊભા થયા છે. આગામી સમયમાં ચૂંટણી તંત્ર દ્વારા શું કાર્યવાહી થાય તે મહત્ત્વનું છે.

જો અન્ય કોઈ પક્ષ હોત તો તત્કાલ કાર્યવાહી થઈ હોત!

આ સમગ્ર મામલે સામાન્ય લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે, જો સાાધારી પક્ષ સિવાયના અન્ય કોઈ પક્ષના ઉમેદવારે આવી ગંભીર ભૂલ કરી હોય અને વિગતો છૂપાવી હોય તો ચૂંટણી તંત્ર દ્વારા દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ભાજપના ઉમેદવાર સામે દાખલારૂપ કાર્યવાહીને બદલે કૂણું વલણ દાખવવામાં આવી રહ્યું છે.

વિસાવદરના ભાજપના ઉમેદવાર વિવાદમાં! નોમિનેશન ફોર્મમાં કિરીટ પટેલે વૈભવી કાર છુપાવી! 2 - image



Tags :