વિરમગામ હાઈવે પર રોંગ સાઈડ બેફામ દોડતી ટ્રકે બાઈકને ફંગોળી, 2 યુવકના કમકમાટીભર્યા મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Viramgam Highway Accident: વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર શુક્રવારે (12 ડિસેમ્બર) મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. રામછાપરી અને વિઠ્ઠલાપરા ગામ વચ્ચે પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક આઈસર ટ્રકે બાઈકને અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભાસ્કરપરા ગામના બે યુવાનો બાઈક પર સવાર થઈને વિઠ્ઠલાપરાથી રામછાપરી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે હાઈવે પર રોંગ સાઈડમાંથી પૂરપાટ ઝડપે ધસી આવેલી એક આઈસર ટ્રકના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના તોતિંગ ટાયર બાઈક સવાર યુવાનો પર ફરી વળ્યા હતા. જેના પરિણામે બંને યુવાનોને કોઈ પણ પ્રકારની તબીબી સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે તેમના કરુણ મોત નિપજ્યા હતા.
મૃતકોની ઓળખ
મૃતકોની ઓળખ 17 વર્ષીય મહેશ (માયાભાઇ) લોરીયા અને 30 વર્ષીય કિશનભાઇ રેથલીયા તરીકે થઈ છે. બંને મૃતકો લખતર તાલુકાના ભાસ્કરપરા ગામના કોળી પટેલ સમાજના હતા. એક જ ગામના બે યુવાનોના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક અકસ્માત બાદ ટ્રક ઘટનાસ્થળે જ રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ વિરમગામ રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને યુવાનોના મૃતદેહોને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ (PM) માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહો પરિજનોને સોંપવામાં આવશે. હાલમાં વિરમગામ રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









